લંડનઃ યુકેમાં કોરોનાના કેસની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળતા સરકાર ફરી લોકડાઉન લાદવા માટે વિચારણા કરી રહી હોવાના અહેવાલો વચ્ચે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડમાં ગુરુવાર - ૨૪ સપ્ટેમ્બરથી નવા નિયંત્રણો જાહેર કર્યા છે. જેમાં તમામ પબ્સ, બાર અને રેસ્ટોરાં પર રાત્રના ૧૦ વાગ્યાથી કરફ્યુ લાદી દેવા, ફરજિયાત ફેસ માસ્ક પહેરવા, લગ્ન સમારંભો અને રિસેપ્શનમાં ૧૫ વ્યક્તિની જ હાજરી સહિતના સંખ્યાબંધ પગલાંનો સમાવેશ થાય છે. હોસ્પિટાલિટી સેક્ટરને માત્ર ટેબલ સર્વિસ સુધી મર્યાદિત રાખવાની સાથોસાથ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ, ફેસ માસ્ક અને હાથ નિયમિત ધોવાના નિયમોના પાલનની તાકીદ પણ કરાઇ છે. જોકે, વડા પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે આ બીજું સંપૂર્ણ લોકડાઉન નથી.
એક સમયે અર્થતંત્રને ગતિશીલ બનાવવા ‘બેક ટુ વર્ક’ અભિયાન ચલાવાયું હતું પરંતુ, સરકારે હવે તેમાં પીછેહઠ કરી હોય તેવું લાગે છે. કેબિનેટ ઓફિસ મિનિસ્ટર માઈકલ ગોવે વર્કર્સને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહીને કામ કરવા અપીલ કરી છે.
દરરોજ આશરે ૪૦૦૦ લોકોને ચેપ લાગે છે
વિશ્વના ૨૧૫ દેશમાં ફેલાયેલી કોરોના મહામારીથી કુલ ૩૧.૫૦ મિલિયન લોકો સંક્રમિત છે અને મૃતકોની સંખ્યા વધીને ૯૬૯,૮૦૦ થઇ છે. યુકેમાં કુલ સંક્રમિતો અને મૃતકોની સંખ્યા અનુક્રમે ૩૯૮,૬૨૫ અને ૪૧,૭૮૮ના આંકે પહોંચી છે. દરરોજ આશરે ૪,૦૦૦ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. નોર્થ વેસ્ટ, મિડલેન્ડ્સ અને વેસ્ટ યોર્કશાયર મંગળવારથી જ સ્થાનિક લોકડાઉન હેઠળ છે. આ ઉપરાંત, નોર્થ ઈસ્ટમાં સ્થાનિક નિયંત્રણો લાગુ કરાયા છે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ચેતવણી આપી છે કે યુકેમાં કોરોના વાઈરસના બીજા હુમલાનું જોખમ તોળાઈ રહ્યું છે. ઈંગ્લેન્ડમાં હોસ્પિટલોમાં દાખલ થવાનું પ્રમાણ એક સપ્તાહમાં બમણું થઈ ગયું છે ત્યારે મિનિસ્ટર્સ શાળાઓની હાફ ટર્મના સમયે ૧૪ દિવસના રાષ્ટ્રવ્યાપી ‘સર્કિટ બ્રેકર’નું પ્લાનિંગ પણ કરી રહ્યા છે.
એક સમયે અર્થતંત્રને ગતિશીલ બનાવવાના ‘બેક ટુ વર્ક’ અભિયાનમાં સરકારે પીછેહઠ કરી છે. કેબિનેટ ઓફિસ મિનિસ્ટર માઈકલ ગોવે ઓફિસ વર્કર્સને શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહીને કામ કરવા અપીલ કરી જણાવ્યું હતું કે ચેપના વધતા દરને કાબુમાં લેવા આના પરિણામે, સંઘર્ષ કરી રહેલા ટાઉન અને સિટી સેન્ટર્સને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ચાન્સેલર રિશિ સુનાકે જ્હોન્સનને સમજાવ્યા
કોવિડ-૧૯ને અંકુશમાં લેવાના તમામ પગલાં નિષ્ફળ જઈ રહ્યાનું જણાતા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન એક તબક્કે સંપૂર્ણ લોકડાઉન લાદવા વિશે વિચારી રહ્યા હતા અને તેમાં પ્રથમ પગલાં તરીકે તમામ પબ્સ એટલે કે હોસ્પિટાલિટી અને લેઈઝર સેક્ટર્સ બંધ કરી દેવાની વાત હતી. જોકે સલાહકારોની દલીલ હતી કે રાત્રે ૧૦ વાગ્યે પબ્સ બંધ કરવાથી લોકો વહેલા ટોળે મળશે. બીજી તરફ, આ પગલાની શક્યતાએ ટ્રેઝરી અને બિઝનેસ ડિપાર્ટમેન્ટમાં ચિંતા ફેલાઈ હતી કારણ કે તેની આર્થિક અસરો મરણતોલ બની શકે તેમ હતી. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને બિઝનેસ સેક્રેટરી આલોક શર્માએ પણ ચાન્સેલરનું સમર્થન કર્યું હતું.
વડા પ્રધાને શુક્રવારે બપોરે ચાન્સેલર રિશિ સુનાક સાથે ઉતાવળે બેઠક યોજી હતી. જ્હોન્સને મે મહિનામાં નિયંત્રણો હળવા કરવાની શરુઆત કરી ત્યારે જ ચેતવણી આપી હતી કે કેસીસમાં નોંધપાત્ર વધારો થશે તો તેઓ ફરી અંકુશો લાદશે.
ચાન્સેલરે વડા પ્રધાનને આર્થિક રીતે ઓછાં નુકસાનકારક હોય તેવા નવા નિયંત્રણો લાદવા જણાવ્યું હતું. તેમની દલીલ એ હતી કે લોકો પાર્ક્સમાં મોટા પાયે એકઠા થાય છે તેના પર અંકુશ લાદી શકાય કારણ કે તેની આર્થિક અસરો નથી. આખરે પબ્સ, બાર અને રેસ્ટોરાં દિવસે ખુલ્લા રહી શકે અને રાત્રિ કરફ્યુ લગાવાય તેવો નિર્ણય લેવાયો હતો.
નવેમ્બરમાં રોજ ૨૦૦ મોતની ચેતવણી
ચીફ સાયન્ટિફિક ઓફિસર સર પેટ્રિક વોલેન્સે ચેતવણી આપી છે કે તેમના માનવા મુજબ, યુકેમાં મહામારી દર સાત દિવસે બમણી થઈ રહી છે અને નવેમ્બરની મધ્ય સુધીમાં દરરોજ ૨૦૦ મોત થવાની આશંકા છે. તેમણે કહ્યું હતું કે, ‘આવી આગાહી પાછળના પરિબળો અજાણ્યા છે. આમાં ‘તો - If’ પરિબળ મોટું છે પરંતુ, આમ ચાલ્યા કરશે અને મહામારી વધતી રહેશે તો ઓક્ટોબર મહિનાની મધ્યમાં રોજના ૫૦,૦૦૦ કેસ પણ જોવા મળી શકે છે.’
સર પેટ્રિકે ગ્રાફ દ્વારા પણ સમજાવ્યું હતું કે યુકેના કેસીસમાં વધારો ફ્રાન્સ અને સ્પેનના ટ્રેન્ડ્સને અનુસરી રહ્યો છે. જોકે, અન્ય નિષ્ણાતો દૈનિક ૫૦,૦૦૦ કેસની આગાહી સાથે સહમત નથી. તેમનું કહેવું છે કે યુકે આ બે દેશોના ટ્રેન્ડને અનુસરવાનું ચાલુ રાખશે તો આગામી મહિના સુધીમાં દિવસના ૧૦,૦૦૦ કેસ જોવા મળશે.
શેરબજારમાં £૫૦ બિલિયનનું ધોવાણ
બીજી તરફ, યુકેમાં લોકડાઉનની આશંકાએ બ્રિટિશ સ્ટોક માર્કેટમાં ભારે ગાબડાં પડ્યાં છે અને ૫૦ બિલિયન પાઉન્ડથી વધુ મૂડીનું ધોવાણ થયું હતું. લંડનના ૧૦૦ શેર ઈન્ડેક્સ ૩.૪ ટકા નીચો ઉતર્યો હતો અને એરલાઈન્સ, ટ્રાવેલ ફર્મ્સ, હોટેલ ગ્રૂપ્સ અને પબ્સના શેરો ભારે નુકસાનમાં આગળ રહ્યા હતા.
બ્રિટિશ એરવેઝની માલિક IAGનું સૌથી વધુ ૧૨ ટકા ધોવાણ થયું હતું. યુરોપ અને યુએસ સ્ટોક માર્કેટની પણ દશા ખરાબ થઈ હતી.
અગાઉ, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોરોનાના બીજા મોજાની ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ફ્રાન્સ, સ્પેન અને સમગ્ર યુરોપમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે તે જોતાં બ્રિટનમાં પણ આમ થવાનું ભારે જોખમ છે. તેમણે જણાવ્યું હતું કે બીજું લોકડાઉન કોઇ ઇચ્છતું નથી છતાં, સરકાર આ અંગે વિચારણા કરી રહી છે. અમે શક્ય હોય ત્યાં સુધી ઇકોનોમી ખુલ્લી રાખવા માગીએ છીએ.
નવા મહત્ત્વના નિયંત્રણો શું છે?
• ઘરમાંથી કામ કરી શકતા ઓફિસ વર્કર્સે તેમણે ઘરે રહીને જ કામ કરવું.
• ઈંગ્લેન્ડમાં દરરોજ રાત્રે ૧૦ વાગ્યાથી પબ્સ, બાર અને રેસ્ટોરાં બંધ રખાશે.
• હોસ્પિટાલિટી સેક્ટર માટે માત્ર ટેબલ સર્વિસની જ પરવાનગી.
• ટેક્સી અને ખાનગી ભાડૂતી વાહનોમાં તેમજ કામના સ્થળે રીટેઈલ સ્ટાફ માટે ફેસ માસ્ક ફરજિયાત.
• ઈનડોર હોસ્પિટાલિટી સેક્ટરમાં જમવા કે ડ્રિન્ક લેવા ટેબલ પર બેઠા હોય તે સિવાય ગ્રાહકો માટે પણ ચહેરા પર આવરણ - ફેસ માસ્ક જરૂરી.
• રૂલ ઓફ સિક્સની રાહતોમાં ઘટાડો, પાંચ-પાંચ ખેલાડીની ફુટબોલ મેચ જેવી ઈનડોર ટીમ સ્પોર્ટર્સ પ્રતિબંધિત.
• પહેલી ઓક્ટોબરથી રમતના સ્થળોએ દર્શકોને અપાનારી પરવાનગી હવે નહિ મળે.
• સોમવારથી લગ્ન સમારંભો અને રિસેપ્શન્સ માટે ૧૫ વ્યક્તિ સુધીની જ સંખ્યા રહેશે. જોકે, ફ્યુનરલ્સમાં હાજરી આપનારા લોકોની સંખ્યામાં કોઈ ફેરફાર કરાયો નથી.
અગાઉ, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ૧૭ સપ્ટેમ્બરની રાતથી નોર્થ ઈસ્ટના નોર્થમ્બરલેન્ડ, નોર્થ ટાયનેસાઈડ, સાઉથ ટાયનેસાઈડ, ન્યૂકેસલ - અપોન - ટાયને, ગેટ્સહીડ, સંડરલેન્ડ અને કાઉન્ટી ડરહામ વિસ્તારોમાં નવા નિયંત્રણો લાગુ કરવાની કોમન્સમાં જાહેરાત કરી હતી. વાઈરસના ફેલાવાને અટકાવવા અને વધુ એક લોકડાઉન ટાળવા માટે આવશ્યક ગણાવાયેલાં આ નિયંત્રણો અને સલાહોમાં આ બાબતોનો સમાવેશ થાય છેઃ
• રહેવાસીઓએ તેમના પોતાના ઘર અથવા સપોર્ટ બબલની બહારના લોકો સાથે ખાનગી ઘરો અને ગાર્ડન્સમાં પણ સામાજિક મેળમિલાપ કરવો નહિ.
• પબ્સ, બાર અને અન્ય હોસ્પિટાલિટી બિઝનેસીસ માત્ર ટેબલ સર્વિસ જ ચલાવી શકશે.
• આનંદપ્રમોદ અને મનોરંજનના સ્થળો રાતના ૧૦થી સવારના ૮ વાગ્યા સુધી બંધ રહેશે.
• શાળાએ કે કામકાજ પર જવા સહિત આવશ્યક કારણોસર જ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો.
• ઘરના સભ્યો સિવાય અન્ય બહારના લોકો સાથે તમામ સ્થળોએ સામાજિક સંપર્કથી દૂર રહેવું.
• તમારા પોતાના ઘર અથવા સપોર્ટ બબલમાં જ રજાઓ માણવી.
• દર્શક તરીકે પણ એમેચ્યોર અને સેમી-પ્રોફેશનલ સ્પોર્ટિંગ ઈવેન્ટ્સમાં હાજરી
આપવાનું ટાળશો.