લંડનઃ ગયા સપ્તાહમાં ઇંગ્લિશ ચેનલમાં ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને લઇ આવતી નાવ ડૂબી જતાં 6 બાળક, એક ગર્ભવતી મહિલા સહિત 13 લોકોનાં મોત થયાં હતાં. 2024માં ઇંગ્લિશ ચેનલમાં આ સૌથી વધુ મોત હતાં. યુકેમાં રાજ્યાશ્રય લેવા માટે આવતા માઇગ્રન્ટ્સ માટે ઇંગ્લિશ ચેનલ સૌથી સરળ તેમ છતાં ઘાતકી અને જોખમી માર્ગ બની રહી છે. અગાઉ કન્ઝર્વેટિવ અને હવે લેબર સરકાર દ્વારા લેવાયેલાં પગલાંને કારણે ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં ઉત્તરોતર ઘટાડો નોંધાઇ રહ્યો છે તેમ છતાં આંકડા નાના તો નથી જ. 2024માં અત્યાર સુધીમાં 21,403 માઇગ્રન્ટ્સ ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે પહોંચ્યાં છે. 2023માં 29,437 અને 2022માં 45,755 માઇગ્રન્ટ નાની હોડીઓ દ્વારા યુકે પહોંચ્યાં હતાં. 2018થી અત્યાર સુધીમાં આ રૂટ દ્વારા 1,35,000 કરતાં વધુ માઇગ્રન્ટ યુકે આવ્યાં છે.
ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ એટ એગ્લાન્સ
21,403 – 2024માં અત્યાર સુધીમાં ઇંગ્લિશ ચેનલ પાર કરી યુકે આવ્યા
29,437 – 2023માં ઇંગ્લિશ ચેનલ પાર કરી યુકે આવ્યા
45,755 – 2022માં ઇંગ્લિશ ચેનલ પાર કરી યુકે આવ્યા
186 – 2018થી અત્યાર સુધીમાં ડૂબી જવાથી માઇગ્રન્ટના મોત
97,000 – જૂન 2024 સુધીના એક વર્ષમાં માઇગ્રન્ટે રાજ્યાશ્રય માટે અરજી કરી