લંડનઃ કોલસા દ્વારા વીજળીનું નિર્માણ કરનારો સૌપ્રથમ દેશ યુકે હતો અને હવે તેનો ત્યાગ કરનારો પ્રથમ આર્થિક મહાસત્તા દેશ પણ બની રહ્યો છે. નોટ્ટિંગહામશાયરમાં રેટ ક્લિફ ઓન સોર ખાતે આવેલો યુકેનો છેલ્લો થર્મલ પાવર પ્લાન્ટ સોમવાર મધરાતથી બંધ કરી દેવાયો છે. આ પાવરસ્ટેશન 1967થી કાર્યરત હતું.
યુકે હવે વીજળીના ઉત્પાદન માટે કોલસાનો ઉપયોગ નહીં કરે. યુકે છેલ્લા 142 વર્ષથી કોલસા આધારિત વીજળીનો ઉપયોગ કરી રહ્યો હતો. નેટ ઝીરોની દિશામાં આ એક મહત્વનું સીમાચિહ્ન યુકેએ હાંસલ કર્યું છે.
વિશ્વમાં સૌપ્રથમ કોલસા આધારિત થર્મલ પાવર સ્ટેશન 1882માં થોમસ એડિસનની એડિસન ઇલેક્ટ્રિક લાઇટ કંપની દ્વારા લંડનના હોલબોર્ન વાયાડક્ટ ખાતે શરૂ કરાયું હતું. ઇન્ટરનેશનલ એનર્જી કંપની યુનિપરના સીઇઓ માઇકલ લૂઇસે જણાવ્યું હતું કે, 1882 પછી પહેલીવાર ગ્રેટ બ્રિટનમાં કોલસા દ્વારા નિર્મિત વીજળીનો ઉપયોગ નહીં થાય.
રેટક્લિફ પાવર પ્લાન્ટ દાયકા સુધી યુકેની એનર્જી સિક્યુરિટીનો મહત્વનો સ્થંભ રહ્યો હતો. કોલસો ઔદ્યોગિક ક્રાંતિની કરોડરજ્જુ સમાન હતો ત્યારે આ પાવર સ્ટેશનનું નિર્માણ કરાયું હતું. આ પાવરપ્લાન્ટમાંથી બે મિલિયન ઘરો અને ઉદ્યોગોને વીજળીનો પૂરવઠો પૂરો પડાતો હતો.