લંડનઃ ભારત અને યુકે વચ્ચેના પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર 90 ટકા સહમતિ સધાઇ ગઇ હોવાની માહિતી બિઝનેસોને મંત્રણાકારો દ્વારા અપાઇ હતી. સરકારી સૂત્રના જણાવ્યા અનુસાર ભારતીય કામદારો માટે વિઝા મંત્રણામાં સૌથી જટિલ મુદ્દો રહ્યો હતો અને આ મુદ્દાનો ઉકેલ હવે આવી ગયો છે. અમે હવે કરાર કરવાની ઘણી નજીક પહોંચી ગયાં છીએ પરંતુ રાજકીય સ્તરે મંત્રણાઓની રાહ જોવાઇ રહી છે.
ટ્રેડ ડિપાર્ટમેન્ટ ખાતે યુકેના મંત્રણાકારો દ્વારા બિઝનેસોને માહિતી અપાઇ હતી કે કરારની 90 ટકા જોગવાઇઓ પર સહમતિ સધાઇ ચૂકી છે. હવે ફક્ત વ્હિસ્કી, કાર અને ફાર્માસ્યુટિકલ્સ મુદ્દે કેટલીક અસહમતિ પ્રવર્તી રહી છે.
સરકારી સૂત્રે જણાવ્યું હતું કે, ભારતીય કામદારને વિઝા સહિતના મોબિલિટીના જટિલ મામલા પર સહમતિ સધાઇ ચૂકી છે. અમે કરારના અંત ભાગમાં પહોંચી ગયાં છીએ.
આ પહેલાં ગયા મંગળવારે ભારતીય હાઇ કમિશન ખાતે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે ભારત વધુ દ્વિપક્ષીય વેપાર કરાર કરવા માગે છે. બુધવારે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, યુકે અને ભારત વચ્ચેનો વેપાર કરાર મૂર્તિમંત કરવા ઘણી સકારાત્મકતા અને પ્રતિબદ્ધતા જોવા મળી રહી છે.
યુકેના ચાન્સેલર રેચલ રીવ્ઝે જણાવ્યું હતું કે, અમે ભારત સહિતના દેશો સાથે વેપાર કરાર પર કામ કરી રહ્યાં છે કારણ કે આર્થિક વિકાસ માટે સાથે મળીને આગળ વધવું મહત્વનું છે.