લંડનઃ હાઉસીસ ઓફ પાર્લામેન્ટમાં ૨૨ જૂને પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન, લંડનના ડેપ્યુટી મેયર અને એન્ટ્રેપ્રીન્યોર રાજેશ અગ્રવાલને ધ ઈન્ડિયન એવોર્ડ્સ ૨૦૧૭થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારત અને યુકે વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની ડેવિડ કેમરનની નોંધપાત્ર કામગીરીની કદર કરવામાં આવી હતી. કેમરને યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વાય.કે. સિંહાના હાથે સ્પેશિયલ રેક્ગનિશન એવોર્ડ સ્વીકાર્યો હતો.
કેમરને કહ્યું હતું કે ‘આ એવોર્ડ સ્વીકારવો મારા માટે મોટું સન્માન છે. બ્રિટન અને ભારતના સંબંધો વિશે હું ઉત્કટ લાગણી ધરાવું છું. આ સંબંધો સમાન હિતો, બ્રિટિશ ભારતીય ડાયસ્પોરા અને ભારતમાં કામ કરતા બ્રિટિશરોની અભૂતપૂર્વ તાકાત પર આધારિત છે. આપણા બંને દેશોના ભાવિ માટે મહત્ત્વપૂર્ણ બની રહેનારા આ સંબંધોના નિર્માર્ણમાં મદદરુપ થવા મેં જે કાર્ય કર્યું છે તેનું મને ગૌરવ છે.’
ઈન્ડિયા બિઝનેસ ગ્રૂપ (IBG)ના સીઈઓ અમરજિત સિંહ દ્વારા સ્થાપિત ધ ઈન્ડિયન એવોર્ડ્સ ભારત અને યુકે વચ્ચેના સંબંધોને સાંસ્કૃતિક, સામાજિક અથવા આર્થિક દૃષ્ટિએ આગળ વધારવામાં યોગદાન આપનારા યુકેસ્થિત વ્યક્તિઓ, બિઝનેસીસ અને સંસ્થાઓનું સન્માન કરે છે.
એવોર્ડ્સ સમારંભને બ્રિટિશ કાઉન્સિલ, ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિરેક્ટર્સ, ગ્લોબલ બિઝનેસ બ્રાન્ડ્સ અને તાજેતરમાં સ્થાપિત ‘કેચ યોર બ્રેથ ઈન્ડિયા’ ચેરિટી સહિત હાઈ પ્રોફાઈલ પાર્ટનર્સે સહયોગ આપ્યો હતો.
ઈન્ડિયા બિઝનેસ ગ્રૂપના ચેરમેન પ્રોફેસર લોર્ડ પટેલ ઓફ બ્રેડફર્ડ OBEએ ‘Here and Now 365’નો વિશેષ ઉલ્લેખ કરી હાઉસ ઓફ કોમન્સમાં મેમ્બર્સ ડાઈનિંગ રુમમાં ઈવેન્ટ મેનેજમેન્ટ સપોર્ટ બદલ આભાર માન્યો હતો. સમારંભમાં જે.સી. બામફોર્ડ એક્સકેવેટર્સ લિમિટેડને લાર્જર બિઝનેસ એવોર્ડ, પેવર્સ લિમિટેડને SME એવોર્ડ, ગ્રાન્ટ થોર્નટન LLP ખાતે પાર્ટનર અને સાઉથ એશિયા ગ્રૂપના વડા અનુજ ચંદેને પ્રોફેશનલ એડવાઈઝર એવોર્ડ, રેશનલ FXના સ્થાપક અને લંડનના ડેપ્યુટી મેયર બિઝનેસ રાજેશ અગ્રવાલને એન્ટ્રેપ્રીન્યોર એવોર્ડ તેમજ કિંગ્સ કોલેજ લંડન ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટના ડિરેક્ટર પ્રોફેસર સુનિલ ખીલનાનીને આર્ટ્સ એન્ડ કલ્ચર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.