લંડનઃ ડોક્ટરોએ ફેફસાના કેન્સર માટેની વિશ્વની સૌપ્રથમ mRNA વેક્સિનની દર્દીઓ પર ટ્રાયલ શરૂ કરી છે. નિષ્ણાતોના મતે આ વેક્સિન હજારો જિંદગીઓ બચાવવામાં મદદરૂપ થશે. ફેફસાના કેન્સરના કારણે દર વર્ષે વિશ્વમાં 1.8 મિલિયન મોત થાય છે. ફેફસાનું કેન્સર ગંભીર બન્યું હોય તેવા દર્દીની બચવાની તકો ઘણી ઓછી હોય છે.
નિષ્ણાતો હવે આ નવી વેક્સિનની ટ્રાયલ કરી રહ્યાં છે જે માનવશરીરને કેન્સરના કોષ શોધી તેમનો નાશ કરવા માટે સક્ષમ બનાવશે. આ વેક્સિન બાયોએનટેક દ્વારા તૈયાર કરાઇ છે. આ વેક્સિનની ટ્રાયલ યુકે સહિત અમેરિકા, જર્મની, હંગેરી, પોલેન્ડ, સ્પેન અને તૂર્કીમાં શરૂ કરાઇ છે.
યુકેમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 6 સ્થળોએ આ વેક્સિનની ટ્રાયલ શરૂ કરાઇ છે. ગયા સપ્તાહમાં યુકેના પ્રથમ દર્દીને વેક્સિનનો પ્રારંભિક ડોઝ અપાયો હતો. સમગ્ર વિશ્વમાં કેન્સરના વિવિધ તબક્કામાં સપડાયેલા 130 દર્દી પર આ ટ્રાયલ હાથ ધરાઇ રહી છે જેમાં યુકેના 20 દર્દીનો સમાવેશ થાય છે. એનએચએસ આ ટ્રાયલમાં નેતૃત્વ કરી રહી છે.