લંડનઃ યુકે સ્થિત એનઆરઆઇ પરવિન્દર કૌર ભાટિયાએ ચંદીગઢની એક કંપની સામે રૂપિયા 3.50 કરોડની છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો જેના સંદર્ભમાં ચંદીગઢમાં એક વ્યક્તિની ધરપકડ કરાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર પરવિન્દર કૌર ભાટિયાએ તેમના પતિના મોત બાદ ભારતની મુલાકાત લીધી હતી અને ચંદીગઢના સેક્ટર 34માં આવેલી કમ્પિટન્ટ ફિનમેન પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો સંપર્ક કરી પતિના નામે રહેલા શેર તેમના નામે ટ્રાન્સફર કરવાનું કામ સોંપ્યું હતું. આ મટે તેમણે કંપનીમાં એક ડિમેટ એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું જેથી તેમના નામે શેર ટ્રાન્સફર કરી શકાય.
તેમણે આરોપ મૂક્યો હતો કે કંપનીના અધિકારી પ્રવીણકુમાર ભારદ્વાજે વિવિધ કાગળો પર કૌરના હસ્તાક્ષર લઇ લીધા હતા અને સ્પેશિયલ પાવર ઓફ એટર્ની બનીને કૌરના નામે ટ્રાન્સફર કરવાના શેર પોતાની માતા અને કેટલાક અજાણ્યા વ્યક્તિઓના નામે ટ્રાન્સફર કરાવી લીધા હતા. પોલીસે ભારદ્વાજ સામે છેતરપિંડીનો કેસ દાખલ કરીને ધરપકડ કરી હતી.