લંડનઃ યુકે અને યુરોપથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓએ હવે તેમની બીજી ચેક ઇન બેગ માટે ઊંચા દર ચૂકવવા પડશે. એર ઇન્ડિયાએ આ રૂટો પર 23 કિલોની એક ચેકઇન બેગ માટેના ઓછા ભાડાની ટિકિટો અમલી બનાવી છે. બે ચેક ઇન બેગ લઇ જનારા પ્રવાસીએ ઊંચા ભાડાની ટિકિટ ખરીદવી પડશે. વન વે ટિકિટમાં ભાડાનો તફાવત રૂપિયા 4000 જેટલો રહેવાનો છે.
પશ્ચિમની મોટાભાગની એરલાઇન્સ કંપનીઓ ઇકોનોમી ક્લાસના પ્રવાસીઓને એક જ ચેક ઇન બેગની પરવાનગી આપે છે જ્યારે બીજી બેગ માટે તેમણે વધારાના નાણા ચૂકવવાના રહે છે. બ્રિટિશ એરવેઝમાં બે ચેકઇન બેગની સુવિધા છે પરંતુ કેબિનમાં ફક્ત હેન્ડ બેગને જ પરવાનગી આપવામાં આવે છે.
2024ના પ્રારંભે એર ઇન્ડિયાએ તેની ઘરેલુ ઉડાનોમાં પણ ઓછા ઇકોનોમી ભાડા માટે બેગેજ એલાઉન્સ 25 કિલોથી ઘટાડીને 15 કિલો કરી દીધું હતું.