લંડનઃ યુકેના છેલ્લા સ્ટીલ પ્લાન્ટને બંધ થતો અટકાવવા ગયા શનિવારે હાઉસ ઓફ કોમન્સની તાકિદની અસામાન્ય સભા બોલાવવામાં આવી જેમાં સરકાર દ્વારા રજૂ કરાયેલા ઇમર્જન્સી બિલ પર મહોર મારવામાં આવી હતી. સ્કનથોર્પ પ્લાન્ટ ખાતે સ્ક્રેચમાંથી સ્ટીલ તૈયાર કરવામાં આવે છે. આ પ્લાન્ટની માલિકી ચીની કંપની જિનગ્યે પાસે હતી. આર્થિક કટોકટીના કારણે કંપની આ પ્લાન્ટ બંધ કરવા જઇ રહી હતી પરંતુ હવે સરકારે આ પ્લાન્ટને પોતાને હસ્તક લઇ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.
સ્ટીલ વ્યૂહાત્મક રીતે અત્યંત આવશ્યક કોમોડિટી છે. સરકારે પ્લાન્ટ બંધ કરી દેવાના કારસાને અટકાવીને તેને ચાલુ રાખવાની દિશામાં આગેકૂચ કરી દીધી છે. બિઝનેસ સેક્રેટરી જોનાથાન રેનોલ્ડ્સે કોમન્સમાં જણાવ્યું હતું કે, યુકેની વૈશ્વિક સ્થિતિ મજબૂત બનાવવામાં સ્ટીલની ભુમિકા અત્યંત મહત્વની છે. ઔદ્યોગિક મજબૂતાઇ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ સ્ટીલ મહત્વની કોમોડિટી છે.
રેનોલ્ડ્સે જણાવ્યું હતું કે, પ્લાન્ટનું રાષ્ટ્રીયકરણ એક સંભવિત વિકલ્પ છે પરંતુ આ ખરડા દ્વારા અમે તાત્કાલિક માલિકીમાં બદલાવ કરી રહ્યાં નથી.
ચીની કંપની જિનગ્યેએ 2020માં બ્રિટિશ સ્ટીલ ખરીદી લીધી હતી અને પ્લાન્ટમાં 1.2 બિલિયન પાઉન્ડનું રોકાણ કર્યું હતું. કંપનીનો દાવો છે કે પ્લાન્ટ ચલાવવામાં તેને રોજના 7 લાખ પાઉન્ડની ખોટ જઇ રહી છે. કંપનીએ બ્રિટિશ સરકારને પ્રસ્તાવ આપ્યો છે કે ચીનથી સ્લેબ સ્ટીલ આયાત કરીને અમે પ્લાન્ટ ઓપરેશન જારી રાખી શકીએ છીએ પરંતુ બ્રિટિશ સરકારે આ પ્રસ્તાવ નકારી કાઢ્યો છે.