લંડનઃ બ્રેક્ઝિટ પછી વેપાર સમજૂતી વિશે યુકે અને ઈયુ વચ્ચે યુદ્ધરેખા દોરાઈ છે. યુકેના ટેક્સ કાયદાઓ તેમજ સરકારી સબસીડીઓ પરનું નિયંત્રણ પોતાના હસ્તક રાખવાના બ્રસેલ્સના આગ્રહના કારણે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આ પ્રકારની સમજૂતી ફગાવી છે. ફ્રેન્ચ પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોંએ યુકે સાથે વેપાર સમજૂતીમાં ઈયુની શરતો બાબતે સખત વલણ અપનાવ્યું છે.
વડા પ્રધાનના ચીફ બ્રેક્ઝિટ નેગોશિયેટર ડેવિડ ફ્રોસ્ટ યુકેની માગણીઓ અને શરતોની રુપરેખાને આખરી સ્વરુપ આપી રહ્યા છે. નો-ડીલ બ્રેક્ઝિટને ટાળવા આ વર્ષના અંત સુધીના ટ્રાન્ઝિશન પીરિયડમાં જ સમજૂતી થવી આવશ્યક છે. બ્રસેલ્સના મંત્રણાકારોએ બ્રિટિશ ટેક્સ કાયદાઓ અને સરકારી સબસીડીઓ પર ઈયુનું નિયંત્રણ રહે તેવો ભાર મૂક્યો છે ત્યારે જ્હોન્સને આવી માગણીઓ ફગાવી દીધી છે.
વેપાર સમજૂતી મુસદ્દામાં ઈયુની શરતોથી બ્રિટિશ ટીમમાં રોષ ફેલાયો છે. ફ્રોસ્ટનું કહેવું છે કે ઈયુ દ્વારા કેનેડા, જાપાન અને કોરિયા સાથે થયેલી વેપાર સમજૂતીઓથી આ તદ્દન વિપરીત શરતો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે યુકે વિશેષ પ્રકારની સમજૂતી ઈચ્છતું નથી. ઈયુએ સમાન વલણ ધરાવતા દેશો સાથે કરેલી સમજૂતી અમારી સાથે પણ કરે તેવી યુકેની માગણી છે
જોકે, ઈયુ યુકેની સબસીડીઓ તેમજ ટેક્સ કાયદાઓ પર નિયંત્રણ લાદવા માગે છે જેથી યુકે સદા માટે ઈયુના ધારાધોરણો સાથે જોડાયેલું રહે અને યુકેમાં તે સંબંધિત નિયમોના પાલનનું અધિકારક્ષેત્ર ઈયુ હસ્તક રહે. ટેક્સ કાયદાઓ સંબંધે પણ યુકે ઈયુના ટેક્સ માપદંડોનો અમલ કરે અને ક્રોસ-બોર્ડર ટેક્સ પ્લાનિંગ વ્યવસ્થામાં પણ સંકળાયેલું રહે. બીજી તરફ, કામદારોના અધિકાર, પર્યાવરણીય રક્ષણો તેમજ આરોગ્ય અને સલામતી સહિતના ઘણા ક્ષેત્રોમાં ઈયુના ધોરણો યુકેના ધોરણોથી ઉતરતી કક્ષાના હોય ત્યારે ઈયુ ધારાધોરણો સાથે સંકળાઈ રહેવાની શરતને સૂત્રોએ હાસ્યાસ્પદ ગણાવી છે.
ઈયુની કડક શરતો પાછળ ફ્રેન્ચ પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોંનું વલણ જવાબદાર મનાય છે. ઈયુ-યુકે વચ્ચે મુક્ત વેપાર જાળવી રાખવાના બદલામાં યુકેએ નિયંત્રણો સ્વીકારવા પડશે તેવો આગ્રહ મેક્રોં કરી રહ્યા છે. જોકે, કેટલાક ઈયુ દેશો માને છે કે આવા વલણથી માર્તના પ્રથમ સપ્તાહમાં વાટાઘાટો શરુ થાય તે પહેલા જ તેના માર્ગો બંધ થઈ જશે.