લંડનઃ યુકેના સૌપ્રથમ સજાતીય પિતા બેરી ડ્રેવિટ-બાર્લો પોતાના ફિઆન્સે સ્કોટ હચિન્સન અને પૂર્વ પતિ ટોની સાથે સંયુક્તપણે ટ્રિપ્લેટ્સને આવકારવા થનગની રહ્યા છે. યુકેના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ત્રણ પેરન્ટના નામ બર્થ સર્ટિફિકેટ પર લખવામાં આવશે. આ પિતાઓએ પોતાના પરિવારને સંપૂર્ણ કરવા માટે IVF યાત્રા પાછળ એક મિલિયન પાઉન્ડનો ખર્ચ કર્યો છે.
બેરી અને ટોનીએ ૨૧ વર્ષ અગાઉ, યુકેમાં પેરન્ટ્સ તરીકે રજિસ્ટર થનારા સૌપ્રથમ સજાતીય દંપતી તરીકે નવો ઈતિહાસ રચ્યો હતો. તેમના પરિવારમાં છ બાળકો છે અને ત્રણ IVF ભ્રૂણથી અમેરિકામાં એક સરોગેટ મધર થકી તેઓ પિતા થશે. આ ટ્રિપ્લેટનો જન્મ આગામી વર્ષે યુકેમાં થવાનો છે. બેરીએ સન્ડે મિરર સાથેની વાતચીતમાં પરિવારની ખુશી વિશે જણાવ્યું હતું.
ત્રણમાંથી બે ભ્રૂણ - embryoને ૨૨ વર્ષ સુધી બરફમાં રાખવામાં આવ્યા હતા અને તેઓ બેરી અને ટોનીના સંતાન છે. આ દંપતીનેા સંતાનોમાં સેફ્રોન (૨૨ વર્ષ), એસ્પેન (૨૨) અને ઓર્લેન્ડો (૧૭)નો સમાવેશ થાય છે. ત્રીજું ભ્રૂણ બેરી અને સ્કોટની ૧૫ મહિનાની પુત્રી વેલેન્ટિનાનું બાયોલોજિકલ ટ્વિન છે.
બેરીએ જણાવ્યું હતું કે,‘હું આ પ્રેગનન્સી બાબતે પ્રથમ વખતે હતો તેટલો જ રોમાંચ અનુભવું છું. મને લાગતું ન હતું હતું કે હું ફરી વાર આ માર્ગે આગળ વધીશ પરંતુ, મને મને સ્કોટ સાથે પ્રેમ થઈ ગયો અને અમે વેલેન્ટિનાના જન્મથી આનંદિત થયા. સ્કોટે મને ફરી વખત તેની તૈયારી વિશે કહ્યું તો હું રોમાંચ અને ઉત્તેજનાથીઉછળ્યો અને અમે એક ચાન્સ લેવાં નિર્ણય લીધો હતો. હું ફરી પ્રેગનન્ટ છું અને તેનો મને ભારે આનંદ છે.’
બેરી અને ટોની સરોગેટનો ઉપયોગ કરનારા યુરોપના પ્રથમ સજાતીય કપલ બન્યા હતા અને તેમણે બર્થ સર્ટિફિકેટમાં સેમ સેક્સ પેરન્ટ તરીકે નામ રજિસ્ટર કરાવવા કાનૂની લડત લડી હતી. તેમનો કેસ LGBTQ+ પરિવારો માટે ઐતિહાસિક બની રહ્યો હતો. હવે તેમને ત્રણ બાળક થશે તો પેરન્ટ એક, બે અને ત્રણ ક્રમાંક મળશે જેને પણ બેરી કોર્ટમાં પડકારવા તૈયાર છે.
બેરી અને ટોની ૨૦૦૬માં સિવિલ પાર્ટનર બન્યા હતા અને ૨૦૧૪માં લગ્નથી જોડાયા હતા. આ પછી, બંને અલગ થયા હતા. બેરી પોતાની જ ૧૯ વર્ષીય પુત્રી સેફ્રોનના એક્સ બોયફ્રેન્ડ સ્કોટ સાથે પ્રેમમાં પડ્યો હતો. સ્કોટ અને બેરી પરિવારના ૭.૫ મિલિયન ડોલરના મેન્શનમાં ટોની, સેફ્રોન અને બાકીના પરિવારની સાથે જ રહે છે. ટોની અને સેફ્રોને પણ આ સંબંધને અપનાવી લીધો છે.