યુકેના બેસ્ટવે ગ્રૂપ દ્વારા પાકિસ્તાનમાં પૂરગ્રસ્તોને રાહતના સઘન પ્રયાસો

Tuesday 19th March 2024 06:16 EDT
 
 

લંડનઃ પાકિસ્તાનમાં 2022ની વર્ષાઋતુમાં તાજેતરના ઈતિહાસમાં સૌથી વિનાશક કુદરતી આફતોમાં એકનો સામનો કરવાનો આવ્યો હતો જ્યારે સમગ્ર દેશમાં ભારે વરસાદ અને પૂરથી જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. આ વિનાશકારી આફતથી 30 બિલિયન અમેરિકી ડોલરથી વધુનું નુકસાન થયું હતું તેમજ 33 મિલિયનથી પાકિસ્તાનીઓ બેઘર બન્યા હતા અને હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કટોકટીનો સામનો કરવા બેસ્ટવે ગ્રૂપે તેના ચેરમેન સર અનવર પરવેઝ OBE H Pk ની નેતાગીરી હેઠળ પૂરગ્રસ્તોની સહાયમાં રાહતના સઘન પ્રયાસો આદર્યા હતા.

જેમાં રોકાણ કરાય છે તે કોમ્યુનિટીઓ પ્રતિ પોતાની જવાબદારીઓ ધ્યાનમાં રાખી બેસ્ટવે ગ્રૂપે તેના બેસ્ટવે ફાઉન્ડેશન થકી ‘હમ સહારા’ ફ્લડ રીલિફ પ્રોગ્રામની શરૂઆત કરી હતી. આ પ્રોગ્રામમાં અસરગ્રસ્ત પરિવારોને ખોરાક, વોટર ફિલ્ટરેશન યુનિટ્સ, બ્લેન્કેટ્સ, અને મચ્છરદાનીઓ જેવી આવશ્યક રાહતસામગ્રીઓ પૂરી પાડવાનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત, સહાયનું અસરકારક વિતરણ થાય તેની ચોકસાઈ રાખવા ગ્રૂપ દ્વારા સ્થળો પરની ટીમો કાર્યરત કરાઈ હતી અને વિવિધ સંસ્થાઓ સાથે સહયોગ સાધ્યો હતો.

યુનાઈટેડ કિંગ્ડમ અને પાકિસ્તાની કંપનીઓ અને ચેરિટેબલ ટ્રસ્ટોએ પુનર્વસન અને પુનર્નિમાર્ણની સક્રિય કામગીરીમાં હાથ મિલાવ્યા હતા. બેસ્ટવે ગ્રૂપે સામગ્રી અને નાણાકીય સહાય તરીકે 1.0 મિલિયન અમેરિકી ડોલરનું દાન જાહેર કર્યું હતું તેમજ લંડનમાં ફંડરેઈઝિંગના સફળ કાર્યક્રમ થકી 3.0 મિલિયન અમેરિકી ડોલરથી વધુ રકમ એકત્ર કરી હતી. ઉદાર ફાળાના પરિણામે, પૂરગ્રસ્ત વિસ્તારોમાં હજારો લોકોને મહત્ત્વની રાહતસામગ્રી પૂરી પાડવામાં મદદ મળી હતી.

રાહતકાર્યોમાં 20,000થી વધુ રેશન બેગ્સ અને ભોજન, દસ લાખથી વધુ લોકોને પીવાનું શુદ્ધ પાણી પુરું પાડવા 20,000 વોટર ફિલ્ટરેશન યુનિટ્સ અને હવાઈમાર્ગે 20 ટનથી વધુ દવાઓ પહોંચાડવાનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત, 500 કાયમી ઘરના નિર્માણ તેમજ હજારો પૂરગ્રસ્ત પરિવારોને આશરો અને સલામતી પૂરી પાડતા તંબુઓ અને ધાબળાના વિતરણનો સમાવેશ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter