લંડનઃ યુકેની બર્મિંગહામ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર ઉદય રેડ્ડી વિરુદ્ધ ભારતના મણિપુરમાં ચાલી રહેલી વંશીય હિંસામાં પોતાના ઓનલાઇન મેસેજ અને સોશિયલ મીડિયા પર ટોક સેશન દ્વારા લોકોની ઉશ્કેરણી કરવાના આરોપસર ફરિયાદ નોંધાઇ છે. પોલીસનો આરોપ છે કે આરોપી કેનેડામાં ખાલિસ્તાની તત્વો સાથે સંબંધ ધરાવતો હોઇ શકે છે.
ઇમ્ફાલના સ્થાનિક રહેવાસીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપ મૂક્યો છે કે ઉદય રેડ્ડી મણિપુરમાં ધર્મના આધારે સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવા ઓનલાઇન કામ કરી રહ્યો છે. આરોપી મેઇતીની ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવાના બદઇરાદા સાથે જાણીજોઇને મેઇતી અને અન્ય સમુદાયો વચ્ચે ધર્મના આધારે ઝેર ફેલાવવાનું કામ કરી રહ્યો છે. જો કે આ મામલામાં પ્રોફેસર ઉદય રેડ્ડીનો કોઇ સંપર્ક થઇ શક્યો નથી.
પોલીસે જણાવ્યું હતું કે, ફરિયાદીનો આરોપ છે કે ઉદય રેડ્ડી સોશિયલ મીડિયા પર ઓડિયો ચર્ચાનું આયોજન કરીને રાજ્યમાં સુરક્ષા કર્મચારીઓ માટે કેવી રીતે મુશ્કેલી સર્જવી તે અંગે લોકોને માર્ગદર્શન આપે છે.
ફરિયાદીએ જણાવ્યું હતું કે, આરોપી અને તેના સાથીદારો ભારતની એકતા અને અખંડતા માટે પડકારરૂપ એવી દેશવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તેમની સામે યુએપીએ એક્ટ અંતર્ગત પગલાં લેવાં જોઇએ.