લંડન, કમ્પાલાઃ યુકેના આફ્રિકા માટેના મિનિસ્ટર લોર્ડ કોલિન્સ ઓફ હાઈબરીએ બે દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવવાના હેતુસર 3 અને 4 એપ્રિલે યુગાન્ડાની મુલાકાત લીધી હતી. યુનાઈટેડ કિંગ્ડમે ફરી એક વખત યુગાન્ડાના વિકાસ માટે મજબૂત સપોર્ટ દર્શાવ્યો હતો. લોર્ડ કોલિન્સની મુલાકાત વેપાર, ગ્રીન ડેવલપમેન્ટ, આરોગ્ય સંશોધન તેમજ બંને દેશના લોકો વચ્ચે મજબૂત સંપર્ક પર કેન્દ્રિત રહી હતી. બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષરો કરાયા હતા.
યુકે-યુગાન્ડા ગ્રોથ ડાયલોગનું લોન્ચિંગ
લોર્ડ કોલિન્સની મુલાકાતમાં સૌથી મોટી જાહેરાત યુકે-યુગાન્ડા ગ્રોથ ડાયલોગના લોન્ચિંગ બાબતે હતી. યુકે અને યુગાન્ડાની ફાઈનાન્સ, પ્લાનિંગ અને ઈકોનોમિક ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી વચ્ચે નિયમિત શ્રેણીબદ્ધ મીટિંગ્સ યોજાતી રહેશે. આ મંત્રણાઓનો હેતુ બિઝનેસ વાતાવરણ અને આર્થિક નીતિઓમાં સુધાર, વેપારી અવરોધો દૂર કરવા અને નવી રોકાણતકોનું સર્જન કરવાનો રહેશે. આના પરિણામે, વધુ વેપાર અને મજબૂત આર્થિક ભાગીદારીઓ સર્જાશે તેવી આશા બંને દેશોએ વ્યક્ત કરી હતી.
લોર્ડ કોલિન્સે યુગાન્ડામાં સૌથી મોટી ઈલેક્ટ્રિક વ્હીકલ કંપની ઝેમ્બોની પણ મુલાકાત લીધી હતી. ઝેમ્બોને યુકે ઈનોવેટ તેમજ પ્રાઈવેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગ્રૂપ તરફથી ભંડોળ અપાયું છે. આ સપોર્ટથી કંપની વધુ લોકો ઈલેક્ટ્રિક મોટરસાઈકલ્સ અને ઝીરો એમિશન વાહનોનો ઉપયોગ કરે તેમાં મદદ કરી રહી છે. આ બાઈક્સ બોડા બોડા રાઈડર્સને ફ્યૂલ અને રીપેરિંગ ખર્ચમાં વાર્ષિક આશરે 500 ડોલરની બચત કરવામાં અને પોલ્યુશન ઘટાડવામાં મદદ કરે છે. આ પ્રકારનું ઈન્વેસ્ટમેન્ટ યુગાન્ડાને સ્વચ્છ, ગ્રીન ટ્રાન્સપોર્ટ તરફ આગળ વધવામાં મદદ કરવવા સાથે રોજગારીની નવી તક ઉભી કરે છે.
યુકે અને યુગાન્ડા વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ
આ મુલાકાતની અન્ય મુખ્ય હાઈલાઈટ યુકે અને યુગાન્ડા વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ્સની ઊજવણી બાબતે હતી. દસ વર્ષમાં પહેલી વખત યુગાન્ડા એરલાઈન્સના કારણે એન્ટેબી અને લંડન ગેટવિક વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ્સ ઉડે છે. વિશેષ સમારંભમાં આના પરિણામે, વેપાર પ્રવાસન તેમજ બંને દેશની પ્રજા વચ્ચે સંપર્ક વધવામાં મદદ થશે તેમ જણાવી લોર્ડ કોલિન્સ અને યુગાન્ડા એરલાઈન્સ દ્વારા આ પગલાને બિરદાવાયું હતું. લોર્ડ કોલિન્સ તેને વધુ મજબૂત સંબંધોના નિર્માણમાં મહાન પળ ગણાવી હતી.
UVRI ખાતે આરોગ્ય સંશોધનની આગેકૂચ
લોર્ડ કોલિન્સે યુગાન્ડા વાઈરસ રિસર્ચમ (UVRI)ની મુલાકાત પણ લીધી હતી. આ ઈન્સ્ટિટ્યૂટની યુકે સાથે 35 વર્ષ લાંબી ભાગીદારી રહી છે તેમજ HIV/AIDS અને ઈબોલા જેવા રોગો સામે લડવાની સિદ્ધિઓ ધરાવે છે. UVRIને યુકેની યુનિવર્સિટીઓ અને યુકેની મેડિકલ રિસર્ચ કાઉન્સિલ તરફથી 25 મિલિયન પાઉન્ડથી વધુની મદદ મળતી રહી છે. લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસીન સહિત વિવિધ નિષ્ણાતો સાથે તે કામ કરે છે અને યુગાન્ડાને તેના રોગો પર ધ્યાન રાખવામાં અને મેડિકલ રિસર્ચને સુધારવામાં મદદદ કરે છે.
લોર્ડ કોલિન્સે પોતાની આ મુલાકાત વિશે જણાવ્યું હતું કે,‘ આ પ્રવાસ યુગાન્ડડા સાથે સમાન બાગીદારો તરીકે કામ કરવાની યુકેની મજબૂત ખાતરીને પ્રદર્શિત કરે છે. અમે ટકાઉ વિકાસને સપોર્ટ કરવા અને આપણા બંને દેશોના અર્થતંત્રો એકસાથે વિકસે તેમાં મદદ કરવા માગીએ છીએ.’ તેમની મુલાકાત વિશ્વાસનિર્માણ, નોકરીઓના સર્જન, ઈનોવેશનને સપોર્ટ અને યુગાન્ડાને આધુનિક અને સ્વચ્છ માર્ગે વિકસવામાં મદદ કરવામાં કેન્દ્રિત હતી.