લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેની નવી એનર્જી રણનીતિ જાહેર કરી ન્યૂક્લીઅર પાવરને તેના કેન્દ્રમાં મૂકવાનું સ્પષ્ટ છે. નવી એનર્જી સિક્યુરિટી સ્ટ્રેટેજીમાં વિન્ડ, સોલાર અને ન્યૂક્લીઅર પાવર કેન્દ્રસ્થાને રહેશે. 2030 સુધીમાં બ્રિટનની ઈલેક્ટ્રિસિટીના 95 ટકા ન્યૂક્લીઅર અને રીન્યુએબલ એનર્જીથી હાંસલ કરવામાં આવશે. જોકે, પર્યાવરણ કેમ્પેઈનર્સ વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ, આ રણનીતિ વર્ષો સુધી યુકેની એનર્જી કટોકટીમાં મદદરુપ નહિ બને તેમ જણાવતા મિનિસ્ટર્સ ઓનશોર વિન્ડ પાવર માટે લક્ષ્યાંકો નિશ્ચિત કરવા ઈનકાર કરી રહ્યા છે અને નોર્થ સી ઓઈલ અને ગેસક્ષેત્રનો ઉપયોગ યથાવત રાખવા મક્કમ છે.
યુકેના એનર્જી પુરવઠાને મજબૂત બનાવવા જ્હોન્સરે આખરે ન્યુક્લીઅર પાવરનો સહારો લેતી રણનીતિ જાહેર કરી છે. નવી નીતિથી બ્રિટન આ દાયકાના અંતે એનર્જી નિકાસકાર બની જવાની સરકારને આશા છે. બોરિસ સરકાર અસ્થિર આંતરરાષ્ટ્રીય એનર્જી માર્કેટ્સ પરનો આધાર ઘટાડવા માગે છે. ન્યૂક્લીઅર પાવરને ફાળવણી મુદ્દે વડા પ્રધાન અને ચાન્સેલર સુનાક વચ્ચે મતભેદ હતા પરંતુ, આખરી વિજય જ્હોન્સનનો થયો છે. જોકે, મિનિસ્ટર્સ સ્વીકારે છે કે આ નીતિ આગામી મહિનાઓમાં એનર્જી કટોકટી હળવી બનાવવામાં મદદરૂપ નહિ બને.
વ્હાઈટહોલમાં સપ્તાહોની કડવાશપૂર્ણ માથાકૂટ પછી વડા પ્રધાને જાહેર કરેલી એનર્જી સ્ટ્રેટેજી અનુસાર પવન, સૌર અને એટમિક પાવરનું જોરદાર વિસ્તરણ કરવામાં આવશે જેથી આ દાયકાના અંતે લગભગ તમામ એનર્જી ઘરઆંગણે ઉત્પાદિત હશે અને લો-કાર્બન સાથેની હશે. બિઝનેસ સેક્રેટરી ક્વાસી ક્વારટેન્ગે સ્વીકાર્યું હતું કે આ એનર્જી સ્ટ્રેટેજી ત્રણ, ચાર કે પાંચ વર્ષનો ઉત્તર છે અને રશિયા સાથે મડાગાંઠથી સર્જાયેલી એનર્જી સમસ્યાનું નિરાકરણ નહિ લાવે.
આઠ ન્યૂક્લીઅર પ્લાન્ટનું નિર્માણ
આ યોજના હેઠળ વિદ્યુત પૂરવઠાની 2050 સુધીની માગના 25 ટકાને પહોંચી વળવા આશરે આઠ ન્યૂક્લીઅર પ્લાન્ટના નિર્માર્ણની મહત્ત્વાકાંક્ષા છે. બીજી તરફ, 30 વર્ષ પછી યુકેના પ્રથમ નવા ન્યુક્લીઅર પ્લાન્ટ હિન્કલી પોઈન્ટ સીના મેનેજિંગ ડાયરેક્ટર સ્ટુઅર્ટ ક્રૂક્સે જણાવ્યું હતું કે કોવિડ અને અન્ય ઊંચા ખર્ચના પરિણામે આ પ્લાન્ટ 2026ની નિયત મર્યાદામાં શરૂ નહિ થાય. આ પ્રોજેક્ટ 54 ટકા પૂર્ણ થઈ ગયો છે. બ્રિટનની ઈલેક્ટ્રિસિટીના 25 ટકા એટમિક એનર્જીથી ઉત્પન્ન કરવા માટે બિલિયન્સ પાઉન્ડનું નવુ ઈન્વેસ્ટમેન્ટ જોઈએ. નવા પ્રોજેક્ટની આશામાં 120 મિલિયન પાઉન્ડનું ‘Future Nuclear Enabling Fund’ અને પ્લાન્સની દેખરેખ માટે ‘ગ્રેટ બ્રિટિશ ન્યુક્લીઅર’ સંસ્થા પણ સ્થાપવામાં આવશે.
ઓનશોર વિન્ડ એનર્જીના દ્વાર ખોલશે
ઈંગ્લેન્ડમાં 2015થી વિન્ડ ફાર્મ પર પ્રતિબંધના કાયદા છે તે હળવા બનાવી ઓનશોર વિન્ડ એનર્જીના દ્વાર ખોલવામાં આવશે. 2030 સુધીમાં 50GW વીજ ઉત્પાદનનું લક્ષ્ય છે ત્યારે વિન્ડ ફાર્મ નિર્માણને મંજૂરીનો ચાર વર્ષનો સમયગાળો ઘટાડીને એક વર્ષનો કરવામાં આવનાર છે. વિન્ડ ફાર્મ સ્થાપવા ઈચ્છુક સ્થાનિક કોમ્યિુનિટીઝને નીચાં એનર્જી બિલ્સની ખાતરી આપવામાં આવશે પરંતુ, તે કેવી રીતે કરાશે તેની કોઈ સ્પષ્ટતા નથી.
સોલાર એનર્જીની ક્ષમતા 2035 સુધીમાં પાંચ ગણી વધારવા ડોમેસ્ટિક અને કોમર્શિયલ રુફટોપ્સ પર વધુ પેનલ્સ ગોઠવાશે. અરક્ષિત ભૂમિ પર સોલાર ફાર્મ્સ સ્થાપવા પ્લાનિંગ નિયમો બદલાશે.