લંડનઃ યુકેમાં પહેલીવાર કોઇ બોર્ડિંગ સ્કૂલ દ્વારા ફી પેટે બિટકોઇન સ્વીકારવાની જાહેરાત કરી છે. સ્કોટલેન્ડની પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ હવે બિટકોઇન દ્વારા ફીની ચૂકવણી કરી શકશે.
હેલેન્સબર્ગમાં સ્થિત લોમોન્ડ ડે એન્ડ બોર્ડિંગ સ્કૂલ ઓટમ ટર્મ માટે ક્રિપ્ટોકરન્સી સ્વીકારવાનું શરૂ કર્યું છે. શાળાએ મની લોન્ડરિંગ સામે કડક હાથે કામ લેવા આ નિર્ણય લીધો છે. આ શાળાની વાર્ષિક ફી 38,700 પાઉન્ડ છે અને અહીં ચીન, બ્રાઝિલ, યુએઇ, રશિયા અને યુક્રેનથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. શાળા સ્થાનિક અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સના વાલીઓ પાસેથી બિટકોઇન ફી પેટે સ્વીકારશે.
હેડ ટીચર ક્લેક કિશોમે જણાવ્યું હતું કે, ફી પર વેટની વસૂલાતના યુકે સરકારના નિર્ણયને કારણે સ્કોટિશ પ્રાઇવેટ શાળાઓ આર્થિક દબાણનો સામનો કરી રહી છે. અમારું આ પગલું શાળના પાયાના સિદ્ધાંતોનું પ્રતિબિંબ છે. અમે પેઢીઓથી વિદ્યાર્થીઓનું ઘડતર કરતાં રહ્યાં છીએ. ટેલિવિઝનની શોધ કરનાર જ્હોન લોગી બેયર્ડ પણ અમારા જ વિદ્યાર્થી હતા.