લંડનઃ બ્રેક્ઝિટ પછી યુકેની સરહદો ઈયુ નાગરિકોના માઈગ્રેશન માટે પાંચ વર્ષ એટલે ૨૦૨૨ સુધી ખુલ્લી રાખવા મુદ્દે ઈયુતરફીઓ અને ઈયુવિરોધીઓ વચ્ચે સમાધાન થયું છે. સરકારમાં બ્રેક્ઝિટતરફી અને રીમેઈનતરફી મિનિસ્ટર્સ વચ્ચે આવી સમજૂતી થઈ છે. આના પગલે રીમેઈનર્સ ગ્રૂપે ઈયુ સિંગલ માર્કેટ અને કસ્ટમ્સ યુનિયન છોડવાની આવશ્યકતાને સ્વીકારી લીધી છે.
થેરેસા કેબિનેટમાં ઈયુ નાગરિકોની મુક્ત અવરજવર મુદ્દે ગજગ્રાહ ચાલતો હતો. બ્રિટનની સરહદો પર અંકુશ પાછો મેળવવાની પ્રક્રિયા લાંબી ચાલશે તેવા ભય વચ્ચે ટ્રાન્ઝીશન પીરિયડ લાંબો રાખવાની માગણીમાં વિજય મળ્યાની જાહેરાત રીમેઈનર્સ ગ્રૂપે કરી છે. ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લીઆમ ફોક્સ, ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સન અને એન્વિરોન્મેન્ટ સેક્રેટરી માઈકલ ગોવ જેવા અગ્રણી બ્રેક્ઝિટીઅર્સે યુકે ૨૦૧૯માં ઈયુ છોડે તે પછી અમલીકરણના નોંધપાત્ર તબક્કાના વિચારને માન્ય રાખ્યો છે. સામા પક્ષે ચાન્સેલર ફિલિપ હેમન્ડ અને હોમ સેક્રેટરી એમ્બર રડે યુકે આખરે સિંગલ માર્કેટ અને કસ્ટમ્સ યુનિયનથી ફારેગ થશે તે વાત સ્વીકારી હતી.
અગાઉ બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસે સંકેત આપ્યો હતો કે કોઈ પણ ટ્રાન્ઝીશન પીરિયડ બે વર્ષથી વધુ નહિ રખાય પરંતુ, હવે આ વિચારને હળવો બનાવાયો છે અને ૨૦૨૨ સુધી ટ્રાન્ઝીશનના દ્વાર ખુલ્લા રખાયા છે. એક વિકલ્પ હેઠળ ટ્રાન્ઝીશન પીરિયડની લંબાઈ કાયદામાં ઉલ્લેખિત કરાશે જેથી, પાછળથી ફેરફારને અવકાશ રહે નહિ.