લંડનઃ યુકેમાં નાણાકીય કટોકટી પછીના વર્ષોમાં ગત વર્ષે વાસ્તવિક સાપ્તાહિક કમાણીમાં આશરે બે ટકાનો જોરદાર વધારો નોંધાયો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા આંકડા કહે છે કે નીચા ફૂગાવા તેમજ ‘નેશનલ લિવિંગ વેજ’ દાખલ કરાવા સાથે ટેક-હોમ પેમાં વધારો થયો છે અને વેતનની લૈંગિક ખાઈ પણ ગત બે દાયકામાં સૌથી નીચા સ્તરે પહોંચી છે. જોકે, આ તફાવત ગોકળગાયની ગતિએ ઘટતો હોવાથી સ્ત્રી-પુરુષનો વેતન તફાવત શૂન્ય થતાં દાયકાઓ લાગી જશે તેમ TUCનું કહેવું છે.
ONS ના કલાકો અને કમાણી વિશે તાજા વાર્ષિક સર્વે અનુસાર દેશના વર્કરોને એપ્રિલ સુધીના વર્ષમાં સાપ્તાહિક કમાણીમાં સરેરાશ ૧.૯ ટકાનો વધારો મળ્યો હતો. ગ્રોસ સરેરાશ કમાણી ૨૦૧૫માં સાપ્તાહિક ૫૨૭ પાઉન્ડ હતી તે ૨.૨ ટકાની વૃદ્ધિ સાથે ૫૩૯ પાઉન્ડ થઈ હતી. આ વધારા માટે ૨૫ અને તેથી વધુ વયના કર્મચારીઓને ૧ એપ્રિલ ૨૦૧૬થી મળેલા ૭.૨૦ પાઉન્ડના નવા ‘નેશનલ લિવિંગ વેજ’ અને તે સમયનો નીચા ફૂગાવો કારણભૂત છે. ગત ઓક્ટોબરથી યુવાન કામદારો માટે નેશનલ મિનિમમ વેજમાં વધારાનું પ્રતિબિંબ તેમાં દેખાય છે. ફૂલ-ટાઈમ વર્કર્સને કમાણીમાં ૨.૨ ટકા, જ્યારે પાર્ટ-ટાઈમ વર્કર્સને ૬.૬ ટકા તેમજ તદ્દન તળિયાના કામદારને ૬.૨ ટકાનો વેતનવધારો થયો છે.
સમગ્ર યુકેની સરેરાશ સાપ્તાહિક કમાણી ૫૩૯ પાઉન્ડ હતી ત્યારે પ્રાદેશિક સ્તરે લંડનમાં આ સરેરાશ ૬૭૧ પાઉન્ડ હતી. ખાનગી ક્ષેત્રના ફૂલ-ટાઈમ વર્કર્સ માટે સરેરાશ સાપ્તાહિક કમાણી ૫૧૭ પાઉન્ડ અને જાહેર ક્ષેત્રમાં કર્મચારીને ૫૪૯ પાઉન્ડ રહી હતી. એપ્રિલમાં ફૂલ-ટાઈમ કાર્યરત પુરુષ વર્કર્સ માટેની સરેરાશ સાપ્તાહિક કમાણી ૫૭૮ પાઉન્ડ, જ્યારે સ્ત્રી વર્કર્સને ૪૮૦ પાઉન્ડ હતી.