લંડનઃ જૂન ૨૦૧૬માં બ્રેક્ઝિટ માટે લોકમત લેવાયો ત્યારથી તેનું પરિણામ લાભકારક હશે કે કેમ તેના વિશે સૌના મનમાં ઉત્સુક્તા પ્રવર્તી રહી છે. સત્તાવાર બ્રેક્ઝિટની મુદત માર્ચ ૨૦૧૯ની નક્કી કરાઈ છે ત્યારે ઈયુ સાથે વેપાર સંબંધોનું ભવિષ્ય અને યુકેમાં રહેતા ઈયુ નાગરિકો તથા ઈયુમાં રહેતા બ્રિટિશ નાગરિકોના દરજ્જા વિશે હજુ સુધી પ્રકાશ પાડવામાં આવ્યો નથી. આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બરે મળનારી બેઠકમાં ઈયુ વડાઓ વેપાર મંત્રણા શરૂ કરવી કે નહીં તે મુદ્દે નિર્ણય લે તેવી શક્યતા છે.
હવે બ્રિટિશ સરકાર અગાઉ જે રકમ માટે સંમત હતી તેના કરતાં વધારે એટલે કે અંદાજે ૪૦ બિલિયન પાઉન્ડ યુરોપિયન યુનિયનને ચૂકવવા તૈયાર થઈ હોવાનું જાણવા મળે છે. ઈયુ અને યુકેને હજુ સુધી ડિવોર્સ બિલ વિશે નિર્ણય લેવાનો બાકી છે. ઈયુના કહેવા મુજબ યુકેએ આપેલા નાણાકિય વચનો ઈયુમાંથી છૂટા પડવાના કરારના ભાગરૂપે ઈયુમાંથી વિદાય થતા પહેલા પૂરા કરવા જરૂરી છે.
જોકે, યુકે દ્વારા ઈયુને વધારે રકમની ચૂકવણીની શક્યતા પર કેટલાંક કન્ઝર્વેટિવ સાંસદો રોષે ભરાયા હતા. બીજી બાજુ, ઈયુ યુકે સાથે વેપારની વાટાઘાટો શરૂ કરે તો તેને 'ખૂબ વધારે રકમ' આપવાની થેરેસા મેની વાતને બોરિસ જહોન્સન અને માઈકલ ગોવનું સમર્થન છે. જોકે, ઈયુ હજુ સુધી આ બાબતે સંમત થયું નથી. થેરેસા મેની ઓફિસના સૂત્ર મુજબ ઈયુ સાથેની વાટાઘાટોમાં દરેક બાબતે સંમતિ ન સધાય ત્યાં સુધી કોઈ બાબતે અમે સંમત નથી તેવું અમારું વલણ છે.