લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના રિપોર્ટ અનુસાર બ્રિટનને તેની હેલ્થ સર્વિસ, જથ્થાબંધ તેમજ રિટેઈલ વેપાર, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝ ચાલુ રાખવા માટે ઈમિગ્રેશનની જરૂર છે. યુકેની સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ ૧.૫ મિલિયનથી વધુ માઈગ્રન્ટ્સ પર નભે છે. ઓછી કુશળતાવાળી નોકરીઓમાં પૂર્વ યુરોપના માઈગ્રન્ટ્સનું પ્રમાણ વધુ છે, જેઓ વધુ શિક્ષિત હોવાં છતાં, ઓછાં વેતને વધુ કલાક કામ કરવા તૈયાર રહે છે.
યુકેના પૂર્વીય અને પશ્ચિમી યુરોપીય માઈગ્રન્ટ્સની સ્થિતિમાં તફાવત ઉડીને આંખે વળગે છે. પૂર્વીય માઈગ્રન્ટ્સ ખેતી અને ઉત્પાદન ક્ષેત્રમાં વધુ જણાય છે તેની સામે ફાઈનાન્સિયલ અને બિઝનેસ સેક્ટર્સમાં પશ્ચિમી માઈગ્રન્ટ્સની સંખ્યા વધુ છે. યુકેની નેશનલ એવરેજ કમાણી પ્રતિ કલાક ૧૧.૩૦ પાઉન્ડ છે તેની સામે ફ્રાન્સ અને જર્મની જેવાં પશ્ચિમી યુરોપીય જૂથના નાગરિકોને પ્રતિ કલાક ૧૨.૫૯ પાઉન્ડ જ્યારે, રોમાનિયા અને બલ્ગેરિયા જેવા પૂર્વીય માઈગ્રન્ટ્સને પ્રતિ કલાક ૮.૩૩ પાઉન્ડના હિસાબે કમાણી થાય છે. યુકેના લેબર ફોર્સમાં પશ્ચિમી યુરોપીય જૂથના ૮૬૩,૦૦૦માંથી ૪૮૮,૦૦૦ માઈગ્રન્ટ્સ ડીગ્રી ધરાવે છે જ્યારે, પૂર્વ યુરોપીય માઈગ્રન્ટ્સમાં આ પ્રમાણ ૮૨૨,૦૦૦માંથી માત્ર ૨૪૨,૦૦૦ નું છે.
ઈન્ટરનેશનલ ઈમિગ્રેશન અને લેબર માર્કેટના ONS વિશ્લેષણ અનુસાર બ્રિટનના કુલ ૩૦.૩ મિલિયન વર્કફોર્સમાં ૧૧ ટકા એટલે ૩.૪ મિલિયન માઈગ્રન્ટ્સ છે. તેમાં ઈયુ નાગરિકોનું પ્રમાણ સાત ટકા અથવા ૨.૨ મિલિયન જ્યારે, ઈયુ બહારના દેશોના નાગરિકોનું પ્રમાણ ચાર ટકા અથવા ૧.૨ મિલિયન હતું. બ્રિટિશ વર્કફોર્સના ઈન્ટરનેશનલ માઈગ્રન્ટ્સનું સૌથી વધુ પ્રમાણ ૧૪ ટકા જથ્થાબંધ અને રિટેઈલ વેપાર, હોટેલ્સ અને રેસ્ટોરાંમાં છે. ૫૦૮,૦૦૦થી વધુ ઈયુ નાગરિકો આ સેક્ટરમાં કામ કરે છે. ફાઈનાન્સિયલ અને બિઝનેસ સેક્ટર્સમાં ૩૮૨,૦૦૦ ઈયુ નાગરિકો સહિત ૧૨ ટકા માઈગ્રન્ટ્સ કાર્યરત છે.