લંડનઃ બ્રિટન ૨૦૧૯માં ઈયુથી છેડો ફાડે તે અગાઉ યુએસ અને ઓસ્ટ્રેલિયા સહિત ૧૨ દેશ સાથે મુક્ત વેપારની સમજૂતીઓ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ વેપાર સમજૂતીઓ બ્રિટિશ અર્થતંત્ર માટે બિલિયન્સ પાઉન્ડ મેળવી આપશે તેમ મિનિસ્ટર્સ માને છે. ઓસ્ટ્રેલિયાના પ્રાઈમ મિનિસ્ટર માલ્કોમ ટર્નબુલે બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે તેમનો દેશ બનતી ત્વરાએ સમજૂતી કરવા ઈચ્છે છે.
નવા ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઆમ ફોક્સ ટુંક સમયમાં યુએસના સૌથી વરિષ્ઠ ટ્રેડ નેગોશિયેટર સાથે ચર્ચા કરવા જવાના છે. આ બે દેશ સાથેની સમજૂતીઓ જ બ્રિટિશ અર્થતંત્ર માટે બિલિયન્સ પાઉન્ડના મૂલ્યની બની રહેશે. કેનેડાના ટ્રેડ મિનિસ્ટર સાથેની ચર્ચા ફળદાયી નીવડ્યાનું ફોક્સે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અનેક દેશોએ ઈયુના અન્ય ૨૭ સભ્ય દેશો સાથે સમજૂતી કર્યા વિના જ વિશ્વના સૌથી મોટા પાંચમા અર્થતંત્ર સાથે વેપાર સમજૂતીમાં રસ દર્શાવ્યો છે.
ઈયુ છોડ્યા પછી આકર્ષક ફ્રી ટ્રેડ સોદાઓ પાર પાડવાની સંભાવના આગળ વધવાની નિશાની તરીકે અગ્રણી યુએસ સેનેટરે એક બિલ દાખલ કર્યું છે, જેમાં બ્રિટન સાથે તમામ વર્તમાન વેપાર સમજૂતીઓ જાળવી રાખવા અને તે ઈયુમાંથી બહાર જાય ત્યારે યુકે સાથે નવી સમજૂતી કરવા પ્રેસિડેન્ટ ઓબામાને હાકલ કરાઈ છે.