લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના સત્તાવાર આંકડા અનુસાર કોવિડ અને બ્રેક્ઝિટની અસરના કારણે યુકે આવતા ઈમિગ્રન્ટ્સની સંખ્યા- નેટ ઈમિગ્રેશન ૨૦૨૦માં સૌથી નીચાં સ્તરે એટલે કે ૯૦ ટકા જેટલી ઘટી હતી. પ્રાથમિક અંદાજ અનુસાર વર્ષ ૨૦૧૯માં ૨૭૧,૦૦૦ લોકો યુકે આવ્યા હતા જ્યારે ગયા વર્ષે ૩૪,૦૦૦થી થોડા વધુ લોકો જ યુકે આવ્યા હતા.
ONSના આંકડા અનુસાર યુરોપિયન યુનિયનમાંથી અનિયંત્રિત ઈમિગ્રેશન જ ૨૦૧૬ના બ્રેક્ઝિટ રેફરન્ડમનું મૂળ કારણ હતું. યુકેએ જાન્યુઆરી ૨૦૨૦ના અંતે ઈયુ છોડી દીધું હતું પરંતુ, ઈયુના નાગરિકો તે વર્ષના અંત સુધી યુકેમાં સ્થિર થવાનો અધિકાર ધરાવતા બતા. જોકે, માર્ચ ૨૦૨૦થી કોવિડ મહામારીના કારણે વિદેશ પ્રવાસ તદ્દન અટકી ગયો હતો. તાજેતરમાં જ યુકેના બિઝનેસીસે ઈમિગ્રન્ટ્સની અછતના કારણે મજૂરોની તંગી સર્જાયાની ફરિયાદો કરી છે.
મોટા ભાગના ઈયુ દેશોથી વિપરીત યુકેમાં નિવાસીઓના ઓળખપત્ર અથવા ફરજિયાત રજિસ્ટ્રેશનની કોઈ પદ્ધતિ ન હોવાથી માઈગ્રેશનો પ્રવાહ ચકાસવાનું સરળ નથી. ૨૦૨૦માં યુકેથી મોટા પાયે હિજરત થયાના કોઈ પૂરાવા નથી પરંતુ, વૈશ્વિક પ્રવાસ નિયંત્રણોના કારણે લોકોની અવરજવર ભારે મર્યાદિત બની ગઈ હતી અને તમામ ડેટા સૂચવે છે કે ઘણાં વર્ષોમાં માઈગ્રેશન તેના સૌથી નીચાં સ્તરે પહોંચ્યું હતું.