લંડનઃ ઓસ્ટ્રેલિયાના અગ્રણી રોકાણકારોએ યુકેમાં સ્વચ્છ ઊર્જા, ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અનેક પ્રોજેક્ટ્સ માટે કુલ 28.5 બિલિયન પાઉન્ડ્સના નવા ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરી છે જે દેશ માટે આર્થિક પ્રોત્સાહન બની રહેશે. નવા રોકાણોના આ કમિટમેન્ટથી ઓર્કનેથી સાઉધમ્પ્ટન સુધી હજારો નોકરીઓ ઉભી થશે અને ગ્રીન ઈન્ડસ્ટ્રિયલ રેવોલ્યુશનને ઉત્તેજન મળશે.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને બુધવાર 30 માર્ચે ડાઉનિંગ સ્ટ્રીટમાં યુકે-ઓસ્ટ્રેલિયા ઈન્વેસ્ટમેન્ટ પરિષદ યોજી હતી જેમાં અગ્રણી ઓસ્ટ્રેલિયન રોકાણકારો દ્વારા 28.5 બિલિયન પાઉન્ડ્સના નવા ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત કરાઈ હતી. સમગ્ર યુકેમા સ્વચ્છ ઊર્જા, ટેકનોલોજી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રોના પ્રોજેક્ટ્સમાં આ રોકાણો થશે. વડા પ્રધાને ઓસ્ટ્રેલિયન ઈન્વેસ્ટમેન્ટને આવકારતા કહ્યું હતું કે તેનાથી લેવલિંગ અપને મદદ, ક્વોલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ સ્ટોકને ઉત્તેજન મળશે અને ગ્રીન એનર્જી રુપાંતરણને ગતિ પ્રાપ્ત થશે. વડા પ્રધાન દ્વારા ઓક્ટોબરમાં ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન અને ઓફિસ ફોર ઈન્વેસ્ટમેન્ટની રચના કરાયાના પગલે નવા રોકાણો આવ્યા છે.
ઓસ્ટ્રેલિયન ફાઈનાન્સિયલ સર્વિસીસ ફર્મ મેક્ક્વાયર ગ્રૂપ દ્વારા 2030 સુધીમાં 12 બિલિયન પાઉન્ડનું રોકાણ કરાશે જેમાં, લિંકનશાયર અને સ્કોટલેન્ડમાં ઓફશોર વિન્ડ, ગ્રામ્ય ઈંગ્લેન્ડમાં ગિગાબીટ બ્રોડબેન્ડ તેમજ ઓર્કને અને સાઉધમ્પ્ટનમાં હાઈડ્રોજન હબ્સનો સમાવેશ થશે. મેક્ક્વાયર ગ્રૂપ દ્વારા ગત 15 વર્ષમાં યુકેમાં 50 બિલિયન પાઉન્ડ્સથી વધુ રોકાણ કરાયું છે. ઓસ્ટ્રેલિયનસુપર પેન્શન ફંડ દ્વારા આગામી પાંચ વર્ષમાં 8 બિલિયન પાઉન્ડ્સનું રોકાણ કરાશે. રિયલ એસ્ટેટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ગ્રૂપ લેન્ડલીઝ અને તેના પાર્ટનર્સ દ્વારા આગામી પાંચ વર્ષમાં લંડન અને બર્મિંગહામના મહત્ત્વપૂર્ણ રીજનરેશન પ્રોજેક્ટ્સમાં 5.5 બિલિયન પાઉન્ડનું રોકાણ કરાશે. પ્લાનિંગ પરમિશન આધારિત આ પ્રોજેક્ટ્સથી નવા હજારો લો કાર્બન હોમ્સ તૈયાર કરાશે તેમજ સ્થાનિક કોમ્યુનિટીઝ માટે નોકરીઓ સર્જાશે. આ ઉપરાંત, IFM Investors આગામી પાંચ વર્ષમાં યુકેમાં વર્તમાન સંપત્તિઓની જાળવણી પાછળ 3 બિલિયન પાઉન્ડ્સ ઈન્વેસ્ટ કરશે.