લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે યુકેમાં 4 જુલાઇના રોજ સંસદની ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આ વખતે પણ 4 જુલાઇના રોજ ગુરુવાર આવે છે. સવાલ એ છે કે યુકેમાં હંમેશા શા માટે ગુરુવારે જ મતદાન યોજવામાં આવે છે. યુકેમાં સંસદની ચૂંટણી ગુરુવારે જ યોજાય તેવો કોઇ લેખિત કાયદો નથી પરંતુ દાયકાઓથી ચાલ્યા આવતા રિવાજ પ્રમાણે ગુરુવારે જ સંસદની ચૂંટણી યોજાય છે.
છેલ્લે ઓક્ટોબર 1931માં મંગળવારે સંસદની ચૂંટણી યોજાઇ હતી. નવેમ્બર 1922માં બુધવારે મતદાન થયું હતું. ઓક્ટોબર 1924માં ફરી બુધવાર અને મે 1929માં ગુરુવારે મતદાન યોજાયું હતું. 1935માં ગુરુવારે મતદાન યોજાયા બાદ અત્યાર સુધી યુકેમાં ગુરુવારે જ સંસદની ચૂંટણી યોજાતી આવી છે.
ગુરુવારે મતદાનની પ્રક્રિયા નિયમ કરતાં પરંપરા વધુ છે. યુકેમાં શુક્રવારે પગારનો દિવસ છે અને રવિવારે ચર્ચમાં જવાની ધાર્મિક પ્રવૃત્તિ. તેના કારણે મતદાન પર અસર ન પડે તે માટે સપ્તાહના મધ્યભાગમાં મતદાનની પરંપરા જાળવી રાખવામાં આવી છે.
1945 પછી પહેલીવાર જુલાઇમાં ચૂંટણીનું આયોજન
બ્રિટનમાં 1945 પછી એટલે કે 79 વર્ષ પછી પહેલીવાર જુલાઇ માસમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 1945ની ચૂંટણીમાં લેબર નેતા ક્લેમેન્ટ એટલી 145 બેઠકની બહુમતી સાથે વિજયી થયા હતા. જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનને વિજય અપાવનાર વિન્સ્ટન ચર્ચિલના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીનો પરાજય થયો હતો.