લંડન,રોમ, પેરિસ, મેડ્રિડઃ યુકેમાં લોકડાઉન હળવું કરાયા પછી પણ કોરોના વાઈરસથી મોતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. માર્ચ ૨૪ (૧૪૯) પછી સૌથી ઓછો દૈનિક મૃત્યુઆંક ૧૮ મે, સોમવારે (૧૬૦) નોંધાયો હતો. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૪,૭૯૬ના આંકડે પહોંચી ગયો છે. યુકેમાં કોવિડ-૧૯ના સત્તાવાર કેસ ૨૪૬,૪૦૦થી વધુ ગણાવાયા છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જાહેર કર્યું છે કે યુકેમાં પાંચ વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યક્તિને કોરોનાના લક્ષણો જણાય તો તે ટેસ્ટિંગ માટે અરજી કરી શકશે. દરમિયાન યુરોપના ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્પેન સહિતના દેશોમાં લોકડાઉનમાં મોટા પાયે છૂટછાટ આપવામાં આવી છે.
બીજી તરફ, લોકો કામે ચડવા સાથે ટ્રેનોમાં ભારે ભીડ થવાના મુદ્દે બોરિસ સરકાર અને લંડનના મેયર સાદિક ખાન વચ્ચે શાબ્દિક યુદ્ધ જામ્યું હતું. મેયર ખાને લંડનમાં વાહનો પર કન્જેશન ચાર્જ વધારી દેવાથી ટ્રેનો પર લોકોનો ધસારો વધી ગયો હતો અને લોકો સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન વિના મુસાફરી કરી રહ્યા છે. જોકે, મેયર ખાને ૧ જૂનથી લાગનારો કન્જેશન ચાર્જ પાછો ખેંચી લેવાની જાહેરાત કરી છે.
સરકારે લોકડાઉનમાં છૂટછાટ સાથે લોકોને કામ પર પાછા ફરવા કહ્યું હતુ પરંતુ, લોકોની ભારે ભીડની સરખામણીએ ટ્રેનોની સંખ્યા ઓછી પડી હતી. સોમવારથી વધારાની ૩,૦૦૦ ટ્રેન શરુ કરાઈ છે પરંતુ, સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે વહનક્ષમતા માત્ર ૧૫ ટકા વધી છે. બીજી તરફ, ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TFL) દ્વારા દાવો કરાયો હતો કે ટ્યૂબ સર્વિસીસ ૭૫ ટકા, DLR અને લંડન ઓવરગ્રાઉન્ડ ૮૦ ટકા અને બસસેવા ૮૫ ટકાની ક્ષમતાથી કામે લાગી ગઈ છે. જોકે, ૩૦ ટ્રેન ડ્રાઈવરે સલામતીના કારણોસર કામે ચડવાનો ઈનકાર કર્યો હતો. આ ધ્યાનમાં રાખતા ટ્રાન્સપોર્ટ સેવાની ક્ષમતા ૫૦ ટકાની હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, ‘ધ ઓબ્ઝર્વર’ અખબારના સ્વે મુજબ બ્રિટનમાં ૪૨ ટકા લોકોએ સરકાર કોરોના સંકટ સામે લડવામાં નિષ્ફળ રહી હોવાનું જણાવ્યું હતું જ્યારે, ૩૯ ટકાએ સરકારની કામગીરી વખાણી હતી. ૧૯ ટકા લોકોએ સરકારની યોજનાઓ ખામીયુક્ત ગણાવી લોકડાઉનના નવા નિયમો અસ્પષ્ટ હોવાનું જણાવ્યું હતું. યુકેના જ સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્થ આયર્લેન્ડમાં સખત લોકડાઉન જારી છે.
યુરોપમાં લોકડાઉન હળવું થતાં લોકો ઉમટ્યાં
યુરોપમાં ફ્રાન્સ, ઈટાલી, સ્પેન, જર્મની, ગ્રીસ સહિતના દેશોએ આર્થિક ગતિવિધિને વેગ આપવા લોકડાઉન હળવું કરવા સાથે જનજીવન સામાન્ય થવા તરફ આગળ વધી રહ્યું છે. જોકે, કોરોના વાઈરસ ચેપના બીજા ઉછાળાની ચેતવણી સાથે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયંત્રણોનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે. ફ્રાન્સમાં લોકડાઉન પછીના પ્રથમ વીકએન્ડ પર લોકો બીચ તરફ ઉમટ્યા હતા તો સ્પેનમાં બાર, રેસ્ટોરાં અને કાફે ખોલી દેવાયા છે. બેલ્જિયમમાં સોમવારથી પ્રાઇમરી અને સેકન્ડરી સ્કૂલો, મ્યુઝિયમ અને ઝૂ ખૂલી ગયાં છે. ગ્રીસ અને પોર્ટુગલમાં પ્રાઇમરી સ્કૂલો, બાર, રેસ્ટોરા અને કાફે ખૂલ્યાં છે. ડેનમાર્ક ૧ જૂનથી જર્મની, નોર્વે અને સ્વીડન સાથેની તેની સરહદો ફરી ખોલવાની તૈયારી કરી રહ્યું છે.
સ્પેન: સ્પેનમાં કોરોના વાઈકસથી મોતનો આંકડો ઘટી રહ્યો હોવાથી ઓછા સંક્રમિત વિસ્તારોમાં લોકડાઉનમાં છૂટ અપાઇ છે. સ્પેનમાં રવિવારે માત્ર ૧૪૫ મોત થયા હતા. સ્પેનમાં અત્યાર સુધીમાં ૨૭૮,૧૮૮ સંક્રમિત કેસ સાથે ૨૭,૭૦૯ લોકોનાં મોત થયાં છે. અગાઉ, દેશની લગભગ અડધી વસ્તીને છૂટછાટ અપાઈ હતી પરંતુ, હવે હોટસ્પોટ બાર્લોના અને માડ્રિડ સિવાય બધે છૂટછાટ અપાઈ છે. જોકે, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન નહીં કરાય તો કોરોનાનો બીજો તબક્કો શરૂ થઇ શકે તેવી ચેતવણી પણ અપાઈ છે. અહીં સોમવારથી રેસ્ટોરન્ટ, બાર, કાફે, સલૂન તથા અન્ય દુકાનો ખૂલી ગઇ હતી.
ઇટાલી: સોમવારથી દેશમાં બાર, સલૂન, કાફે, હેરડ્રેસર્સ, રીટેઈલ બિઝનેસીસ, મ્યુઝિયમ, લાઇબ્રેરી અને ચર્ચ ખૂલી ગયાં છે. જોકે, ચર્ચમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત રાખવું પડશે. ઈટાલીનો દરેક વિસ્તાર આગવા નિયમો સાથે છૂટછાટ અને નિયંત્રણો જાળવી રાખશે. જીમ્સ અને સ્વિમિંગ પૂલ્સ એક સપ્તાહ પછી ખોલાવાની શક્યતા છે. જોકે, રાજ્યો વચ્ચે પ્રવાસને હજુ છૂટ આપી નથી. રાજ્યો વચ્ચે પ્રવાસ અને વિદેશથી ઈટાલીમાં પ્રવાસને ૩ જૂનથી પરવાનગી મળી શકે છે. વડા પ્રધાન ગિયુસેપ્પે કોન્ટેએ સ્વીકાર્યું હતું કે અર્થતંત્રને ખોલવાથી કોરોના વાઈરસના રોગચાળો ઉથલો મારવાનું જોખમ છે પરંતુ, તે સ્વીકારી લેવાનું રહેશે. ઇટાલીમાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૨૫, ૮૮૬ સંક્રમિત કેસ સામે ૩૨,૦૦૭ લોકોનાં મોત થયાં છે.
ફ્રાન્સઃ દેશના કડક લોકડાઉન સમયગાળા પછીના પ્રથમ વીકએન્ડ પર લોકો લાકાનાઉ સહિતના બીચ તરફ ઉમટ્યાં હતાં. દેશના સાઉથ કોસ્ટના પ્રસિદ્ધ સર્ફિંગ સ્પોટ્સ અને સમુદ્રતટો પર અગાઉના જેવી જ સહેલાણીઓની ભીડ જોવાં મળી હતી. બીજી તરફ, પોલીસે મોટી સંખ્યામાં એકત્ર થતાં લોકોને વિખેરી નાખવાની ચેતવણી આપી છે. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના ૧૭૯,૯૨૭ સંક્રમિત કેસ સામે ૨૮,૨૩૯ લોકોનાં મોત થયાં છે. દેશમાં મૃત્યુઆંક ઘટી રહ્યો હોવાનું હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું છે. યુરોપીય ઉનાળો નજીક આવી રહ્યો છે ત્યારે ટુરિઝમ ઈન્ડસ્ટ્રી થોડો ઘણો બિઝનેસ રળી લેવા માગે છે.
રશિયાઃ વિશ્વમાં અમેરિકા પછી કોરોના વાઈરસના બીજા ક્રમના સૌથી વધુ ૨૯૯,૯૪૭ સંક્રમિતોની સંખ્યા રશિયામાં છે. અહીં, મૃત્યુઆંક પ્રમાણમાં ઘણો ઓછો ૨,૮૩૭નો છે. દેશમાં આગામી મહિના-૨૧ જૂનથી રશિયન પ્રીમિયર લીગ ફૂટબોલ રમતની ફરી શરુઆત કરી શકાય તે માટે એથેલેટ્સ અને કોચીસ માટે સરહદી નિયંત્રણો હળવાં કરવામાં આવ્યા છે. પ્રમુખ પુટિને રશિયામાં લોકડાઉનના અંતની જાહેરાત કરી છે. વર્કર્સ ફેક્ટરીઓ અને બિલ્ડિંગ સાઈટ્સ પર પાછા ફર્યા છે. રશિયા પાછા ફરનારા તમામે ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.