લંડનઃ સ્ટાર્મર સરકારે નિયમો વધુ આકરા બનાવતાં નાની હોડીઓ દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને યુકે આવતા નિરાશ્રિતોને બ્રિટિશ નાગરિકતા નહીં મળે. સરકાર દ્વારા તૈયાર કરાયેલી નવી માર્ગદર્શિકા પ્રમાણે નાની હોડી દ્વારા ઇંગ્લિશ ચેનલ પાર કરીને અથવા તો કોઇ વાહનમાં સંતાઇને યુકેમાં ગેરકાયદેસર આવેલા નિરાશ્રિતોને નાગરિકતા આપવાનો ઇનકાર કરી દેવાશે.
હોમ ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, યુકેમાં ગેરકાયદેસર રીતે આવેલા લોકોની બ્રિટિશ નાગરિકતા માટેની અરજી નકારી કઢાશે. જોકે નિયમમાં આ બદલાવની રેફ્યુજી કાઉન્સિલ અને કેટલાક લેબર સાંસદો દ્વારા આકરી ટીકા કરાઇ છે. સાંસદ સ્ટેલા ક્રિસીએ જણાવ્યું હતું કે, આ બદલાવનો અર્થ એ છે કે નિરાશ્રિતો હંમેશ માટે સેકન્ડ ક્લાસ નાગરિક બની રહેશે.
સરકાર દ્વારા ઇમિગ્રેશન સ્ટાફને જારી કરાયેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે 10 ફેબ્રુઆરી 2025થી નાગરિકતા માટે અરજી કરનાર યુકેમાં ગેરકાયદેસર રીતે આવેલા રેફ્યુજીની અરજી નકારી કાઢવામાં આવશે પછી તેણે ગેરકાયદેસર પ્રવેશ કર્યાને ગમે તેટલો સમય થયો હોય.
ગાઇડલાઇનમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે માન્ય એન્ટ્રી ક્લિયરન્સ અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન વિના અગાઉ આવેલા અને ભયજનક પ્રવાસ કરીને આવેલા નિરાશ્રિતની નાગરિકતાની અરજી પણ નકારી કઢાશે. અગાઉ ગેરકાયદેસર રૂટથી યુકેમાં આવેલા નિરાશ્રિતોને નાગરિકતાની અરજી માટે 10 વર્ષની રાહ જોવી પડતી હતી.
ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને અટકાવવા સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર અભિયાન
સરકાર દ્વારા બ્રિટનમાં ગેરકાયદેસર રીતે આવતા આલ્બેનિયન માઇગ્રન્ટ્સને અટકાવવા મલ્ટી મિલિયન પાઉન્ડનું સોશિયલ મીડિયા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અભિયાનમાં બ્રિટનમાં પ્રવર્તી રહેલી કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ, બ્રેક્ઝિટની નકારાત્મક અસરો અને ભેદભાવને પ્રદર્શિત કરાઇ રહ્યાં છે. યુકે આવેલા આલ્બેનિયન ઇમિગ્રન્ટ્સ દ્વારા બ્રિટનમાં પડી રહેલી મુશ્કેલીઓને વાચા આપવામાં આવે છે. સ્ટોરીઝ ફ્રોમ બ્રિટન ટાઇટલ અંતર્ગત જારી કરાતી આ પોસ્ટમાં આલ્બેનિયનો બ્રિટનમાં મકાનના મોંઘાદાટ ભાડાં અને તેમની સાથે થઇ રહેલા ભેદભાવની ફરિયાદો કરતાં જોવા મળે છે. ટીકાકારો આ પ્રોજેક્ટને ખર્ચાળ નિષ્ફળતા ગણાવી રહ્યાં છે.