લંડનઃ હોમ ઓફિસે બ્રિટનમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને દેશનિકાલ કરવાની જાહેરાત કરી છે. સરકારે જણાવ્યું હતું કે યુકે અને બાંગ્લાદેશ વચ્ચે કરાયેલા કરાર અંતર્ગત કોઇને દેશનિકાલ કરવા માટે જરૂરી પુરાવા ઉપલબ્ધ હોય તેવા કિસ્સામાં ફરજિયાત ઇન્ટર્વ્યુની જરૂર રહેશે નહીં. તેનો અર્થ એ થયો કે રાજ્યાશ્રય મેળવવામાં નિષ્ફળ ગયેલા, બાંગ્લાદેશમાં અપરાધ કરીને આવેલા અને વિઝાની મુદત કરતાં વધુ સમયથી યુકેમાં રહેતા બાંગ્લાદેશીઓને ઝડપથી દેશનિકાલ કરાશે.
ગેરકાયદેસર માઇગ્રેશન મિનિસ્ટર માઇકલ ટોમલિનસને જણાવ્યું હતું કે, યુકેમાં આવતા લોકોને અથવા તો અહીં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને અટકવાવવાની અમારી યોજનામાં ઝડપી દેશનિકાલ મહત્વનો હિસ્સો છે. બાંગ્લાદેશ યુકેનો મહત્વનો મિત્ર દેશ છે અને બંને દેશ વચ્ચે વિવિધ મુદ્દા પર સંબંધો મજબૂત બની રહ્યાં છે.
તેમણે જણાવ્યું હતું કે, ગેરકાયદેસર માઇગ્રેશન પર આ પ્રકારના કરારોની મોટી અસર પડી છે. વૈશ્વિક સમસ્યાઓનું વૈશ્વિક સમાધાન હોવું જોઇએ. તમામ માટે યોગ્ય સિસ્ટમ તૈયાર કરવા માટે હું બાંગ્લાદેશ અને અન્ય મિત્ર દેશો સાથે મળીને કામ કરી રહ્યો છું.