લંડનઃ યુકેમાં દવાઓની અછત હવે સામાન્ય બાબત બની ચૂકી છે અને બ્રેક્ઝિટના કારણે દવાઓની અછત ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે તેવી ચેતવણી એક હેલ્થ થિન્ક ટેન્ક દ્વારા ઉચ્ચારવામાં આવી છે. સંખ્યાબંધ દવાઓની અછતમાં વધારો થવાના કારણે ડોક્ટરો, ફાર્માસિસ્ટની સાથે દર્દીઓ માટે પણ ગંભીર સમસ્યા પેદા થઇ રહી છે.
દવા કંપનીઓ દ્વારા ચોક્કસ ઉત્પાદનોના સપ્લાયમાં સમસ્યા હોવાની સંખ્યાબંધ ચેતવણીઓ આપવામાં આવી રહી છે. 2020માં 648 ઉત્પાદનોની અછત રહી હતી જેની સામે તે 2023માં વધીને 1634 પર પહોંચી હતી.
થિન્ક ટેન્કના સભ્ય માર્ક ડાયને જણાવ્યું હતું કે, મહત્વની દવાઓની અછતમાં વધારો આઘાતજનક બાબત છે. પહેલાં આવી અછત ભાગ્યે જ જોવા મળતી હતી પરંતુ હવે તે સામાન્ય બની ગઇ છે. યુકેમાં છેલ્લા એક વર્ષથી એડીએચડી, ટાઇપ ટુ ડાયાબિટિસ અને એપિલેપ્સીની દવાઓની ભારે અછત વર્તાઇ રહી છે.
કેટલીક મહત્વની દવાઓની અછતના કારણે ગંભીર બીમારી ધરાવતા દર્દીઓના જીવન અને આરોગ્ય ભયમાં મૂકાઇ રહ્યાં હોવાની ચેતવણી ફાર્માસિસ્ટ આપી રહ્યાં છે. જરૂરી દવાઓ નહીં મળતી હોવાની હેલ્થ ચેરિટીઓને મળતી ફરિયાદોમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે.