લંડનઃ યુકે પરત ફરી રહેલા પ્રવાસીઓમાં ડેંગ્યુ ફીવરના કેસીસનું પ્રમાણ વિક્રમી સંખ્યાએ પહોંચ્યું છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (UKHSA) એ 2024માં ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં પરત ફરેલા પ્રવાસીઓમાં ડેંગ્યુના 904 કેસ નોંધ્યા છે. 2023માં નોંધાયેલા 631 કેસની સરખામણીએ આ મોટો ઉછાળો છે. 2009માં રેકોર્ડ્સની શરૂઆત થયા પછી આયાતી ડેંગ્યુ કેસીસની વિક્રમી સંખ્યા છે.
UKHSAએ નોંધ્યું છે કે મોટા ભાગના કેસ દક્ષિણ અને દક્ષિણઇ-પૂર્વ એશિયાના પ્રવાસ સાથે સંકળાયેલા છે. એજન્સીએ જ્યાં ઈન્ફેક્શન સામાન્ય હોય તેવા વિસ્તારોમાં પ્રવાસ કરતી વેળાએ સાવચેતી રાખવા ચેતવણી આપી છે. કેરેબિઅન્સ, આફ્રિકા અને એશિયાના કેટલાક વિસ્તારો, મધ્ય અને દક્ષિણ અમેરિકા,, પાસિફિક ટાપુઓ તેમજ નોર્થ અમેરિકાના કેટલાક દક્ષિણી વિસ્તારોમાં ડેંગ્યુ સામાન્ય છે. આ ઉપરાંત, યુરોપમાં ક્રોએશિયા, સ્પેન, પોર્ટુગલ, ઈટાલી અને ફ્રાન્સમાં પણ ડેંગ્યુ જોવા મળે છે.
યુકેમાં આ ઈન્ફેક્શન જોવા મળતું નથી અને અન્ય વ્યક્તિ પાસેથી તેનો ચેપ લાગતો નથી. ચેપગ્રસ્ત મચ્છરો ડંખ લાગ્યા પછી ચારથી દસ દિવસમાં તાવ, માથાનો તીવ્ર દુઃખાવો, સ્નાયુ અને સાંધાઓમાં દુઃખાવા સહિતના લક્ષણો દેખાવા લાગે છે.