યુકેમાં નામ અને ઠામ ધરાવતી પરંતુ, અસ્તિત્વવિહોણી બેન્કોની ભરમાર

Wednesday 23rd March 2022 06:23 EDT
 
 

લંડનઃ ધ ટાઈમ્સમાં પ્રકાશિત એક લેખમાં યુકેમાં 400 બનાવટી બેન્ક્સ કાર્યરત હોવા વિશે જણાવાયું છે જેમના નામ અને ઠામ કંપનીઝ રજિસ્ટરમાં નોંધાયેલા હોય છે પરંતુ, કંપની અથવા બેન્કનું અસ્તિત્વ જ હોતું નથી. આ 400 બેન્કોની યાદી ફ્રોડ ઈન્વેસ્ટિગેટર ગ્રેહામ બેરોએ તૈયાર કરી છે.

લંડનના બેલગ્રેવીઆમાં ઈટન સ્ક્વેર અતિ પ્રખ્યાત સ્થળ છે. યુકેની કંપનીઓના સત્તાવાર રજિસ્ટર કંપનીઝ હાઉસની માહિતી અનુસાર સૌથી વધુ બેન્કો પણ ત્યાં આવેલી છે અને ગયા વર્ષના જાન્યુઆરી પછી રજિસ્ટર્ડ અથવા ઈન્કોર્પોરેટ થયેલી 30થી વધુ બેન્કો આજુબાજુમાં જ ફેલાયેલી છે. પિમ્લિકોમાં ગ્લોસ્ટર સ્ટ્રીટ, ચેલ્સીમાં લેનોક્સ ગાર્ડન્સ પણ બેન્કો માટે પ્રખ્યાત છે. લંડનના એક ચોરસ માઈલના વિસ્તારમાં જ આશરે 200 બેન્ક છે અને માન્ચેસ્ટર, એડનબરા જેવા શહેરોની ગણતરી કરીએ તો આશરે 400 બેન્કના સરનામાં જોવા મળે છે. ખાટલે ખોડ એટલી જ છે કે આ બધી બેન્કો વિશે તમે સાંભળ્યું પણ હોતું નથી અને સિટી રેગ્યુલેટર ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA)માં તે રજિસ્ટર થયેલી નથી.

નિર્દોષ કન્ઝ્યુમર્સને પ્રતિ કલાક 28,000 પાઉન્ડનો ચૂનો લગાવતા નાણાકીય અપરાધ તરીકે કાર્યરત મોટા ભાગની આ નાણાકીય સંસ્થાઓ કથિતપણે કૌભાંડ છે અને મુખ્યત્વે ક્રિપ્ટોકરન્સી સાથે સંકળાયેલી છે. વિચિત્રતા તો એ છે કે ઈટન સ્ક્વેરમાં કોઈને આ બેન્કો વિશે કોઈ જાણકારી નથી. ગત એપ્રિલમાં ઈન્કોર્પોરેટ કરાયેલી બિટવીઓ (Bitvio)ની વાત કરીએ તો 72 વર્ષના બ્રિટિશ નાગરિક મોનસેર અલીના નામે નોંધાયેલી છે. અહીં કોઈ નથી. થોડે દૂરના સરનામે બૂલબોટ (Bullbot) બેન્ક છે તે પણ અલીના નામે નોંધાઈ છે. તેના વિશે પણ અડોશપડોશમાં કોઈને જાણકારી નથી. ગત 18 મહિનામાં બાંગલાદેશમાં રહેતા અલીના નામે 60થી વધુ બેન્ક રજિસ્ટર્ડ કરાયેલી છે. આવા તો ઘણા સરનામાં છે જ્યાં બેન્કો નથી.

અસ્તિત્વ વિનાની બેન્કોના કૌભાંડની માયાજાળ

કંપનીઝ હાઉસમાં કોઈ કંપનીનું રજિસ્ટ્રેશન કરાયું હોય તો તે સાચી હોવાનો દેખાવ કરી શકે છે. કૌભાંડીઓ તેમનો બિઝનેસ કાયદેસરનો ગણાવતા રહે છે. બનાવટી સેવિંગ્સ બોન્ડ્સ, ઈન્વેસ્ટમેન્ટ્સ અને ક્રિપ્ટોકરન્સીઝમાં રોકાણ કરવા કોઈને સમજાવવા માટે આ દેખાવ અસરકારક બની રહે છે. કંપનીઝ હાઉસમાં રજિસ્ટર્ડ હોવાથી કોઈ તેમના અસ્તિત્વ સામે સવાલ ઉઠાવતું નથી. કંપનીઝ હાઉસ દ્વારા નોંધાયેલી વિગતોની ચકાસણી કરવા નિયત સરનામે પત્ર લખાય છે અને ‘આ કંપની અહીં નથી’ના શેરા સાથે તે પત્ર પરત આવે અને રજિસ્ટરમાંથી કંપનીનું નામ દૂર કરાય ત્યાં સુધીમાં ઘણો સમય વીતી જાય છે. ક્રિમિનલ્સ ઈન્કોર્પોરેશન ડોક્યુમેન્ટ્સની PDF ડાઉનલોડ કરી લે છે અને કાનૂની કંપની સ્વરુપે સંભવિત રોકાણકારોને માયાજાળમાં લપેટી લે છે. લેભાગુ કંપનીઓ ગ્રાહકોનો ભરોસો જીતવા માટે યુએસએમાં Namecheap અને NameSilo જેવી કંપનીઓ મારફત માત્ર 5 ડોલરમાં વેબસાઈટ લોન્ચ કરાવી શકે છે. આના પર તેઓ સર્ટિફિકેટ ઓફ ઈન્કોર્પોરેશન મૂકી ગ્રાહકોને લલચાવે છે. કંપનીઓ ટ્વિટર, ફેસબૂક અને યુટ્યૂબ પર પોતાના એકાઉન્ટ ઉભા કરી નાખે છે.

કંપનીઝ હાઉસ દ્વારા કોઈ તપાસ નહિ

કાયદાની વિચિત્રતા એવી છે કે જો તમે કંપનીના નામમાં ખરેખર ‘બેન્ક’ લખાવવા માગતા હો તો તમારે FCA માં બેન્કનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. પરંતુ, તમે કંપનીઝ હાઉસમાં રજિસ્ટર કરાવતા હો તો તમારે ધંધાના પ્રકાર દર્શાવવા પડે છે અને તેમાં તમે બેન્ક લખાવી શકો છો જેની કોઈ તપાસ કરવામાં આવતી નથી.જ્યારે કોઈ વ્યક્તિ કંપનીનું રજિસ્ટ્રેશન કરવા ઈચ્છે ત્યારે કંપનીઝ હાઉસ દ્વારા કોઈ તપાસ કરાતી નથી. ગ્રેહામ બેરોના લિસ્ટ મુજબ આશરે 80 બેન્કની યાદીમાં કંપનીના માલિકની નાગરિકતા વિશે રજિસ્ટરમાં ‘unknown’ લખાયેલું છે. તાજેતરમાં રશિયનો, ઈરાનીઓ અને ચાઈનીઝ નાગરિકો દ્વારા બેન્કો રજિસ્ટર્ડ કરાઈ છે. બેરોના એનાલિસીસ મુજબ માત્ર એક વર્ષમાં રશિયન નાગરિકો દ્વારા યુકેમાં 1900થી વધુ કંપનીઓ ઈન્કોર્પોરેટ કરાવાઈ છે. લગભગ અડધા લોકોએ રશિયામાં રહેતા રશિયન તરીકે નોંધણી કરાવી છે. વધુ 102 કંપની રશિયામાં રહેતા લોકો દ્વારા ઈન્કોર્પોરેટ કરાઈ છે પરંતુ, તેમની રાષ્ટ્રીયતા અથવા સાચા ધંધાના પ્રકાર કંપનીઝ હાઉસ દ્વારા રેકોર્ડ કરાયેલા નથી. અપાયેલી કોઈ પણ માહિતી ખોટી હોવાની શક્યતા વધુ રહે છે.

તો હવે, તમારે શું કરવું જોઈએ?

• અત્યાર સુધી વિશ્વસનીય ગણાતા કંપનીઝ હાઉસ રજિસ્ટર પર વિશ્વાસ રાખશો નહિ. તમે FCA ના રજિસ્ટરનો ઉપયોગ કરો અને FCA ની વોર્નિંગ લિસ્ટને તપાસો. બેન્કને ફોન કરો અથવા ઈમેઈલ કરો. જો તમે તેમના સુધી પહોંચી ન શકો અથવા તેમના તરફથી ઉત્તર ન મળે તો ઈન્વેસ્ટ કરવાનું માંડી વાળો. • કાયદેસરની બેન્કો અને નવા સ્ટાર્ટ અપ્સ પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ધરાવે છે જેમની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવી હોય છે. જો તમને તેમના વિશે જાણકારી કે માહિતી ન મળતી હોય કેવી કંપનીઓમાં ઈન્વેસ્ટ કરશો નહિ. • લોકો કોઈ પણ પેઢી બાબતે ફરિયાદો કરે છે કે કેમ તેની ચકાસણી કરવા moneysavingexpert.com જેવાં ઈન્ટરનેટ ફોરમ્સ પર તપાસ કરો, નજર નાખતા રહો. • એટલું યાદ રાખો કે ક્રિપ્ટો એસેટ્સને કોઈ રક્ષણ મળેલું નથી. જો કોઈ કંપની કે પેઢી દેવાળું કાઢે તો તમે રોકેલા તમામ નાણા ગુમાવી દેશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter