લંડનઃ યુકેમાં અભ્યાસ માટે આવતા ભારતીય વિદ્યાર્થીઓને નોકરી ન મળતાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિઝા સ્પોન્સર્ડ નોકરીના અભાવમાં તેમને સ્વદેશ પરત જવાની પણ ફરજ પડી રહી છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક ભારતીય વિદ્યાર્થિનીએ યુકેમાં રહી શકે તે માટે વિના વેતને પણ નોકરી આપવા સોશિયલ મીડિયા પર ગુહાર લગાવી છે.
વર્ષ 2021માં યુકેમાં અભ્યાસ માટે આવેલી સ્વેથા કોઠંડને તેની પોસ્ટમાં વિઝા સ્પોન્સર્ડ જોબ મેળવવા માટે તેને કેવો સંઘર્ષ પડી રહ્યો છે તેનું વર્ણન કર્યું છે. તેણે લખ્યું છે કે 2022માં ગ્રેજ્યુએશન પુરુ કરી લીધાં પછી અત્યાર સુધી મને વિઝા સ્પોન્સર્ડ જોબ મળી શકી નથી. હું 300 કરતાં વધુ કંપનીમાં પ્રયાસ કરી ચૂકી છું. મારા લાંબાગાળાના ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટેની આ અંતિમ તક છે.
સ્વેથાએ લેસ્ટર યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં એમએસસીની ડિગ્રી હાંસલ કરી છે. 2022માં અભ્યાસ પૂરો કર્યા બાદ અત્યાર સુધી તેને જોબ મળી શકી નથી. સ્વેથા કહે છે કે યુકેના જોબ માર્કેટને મારું કે મારી ડિગ્રીનું મૂલ્ય નથી. 300 જગ્યાએ અરજી કર્યાં છતાં મને નોકરી મળી શકી નથી.
સ્વેથા કહે છે કે જો કોઇ એમ્પ્લોયર મને ડિઝાઇન એન્જિનિયરની નોકરી આપશે તો હું વિના વેતને સપ્તાહના 7 દિવસ દરરોજ 12 કલાક કામ કરીશ.મને એક મહિના માટે પણ વિના વેતનની નોકરી આપો અને પછી પણ મારું કામ ન ગમે તો મને એ જ ઘડીએ નોકરીમાંથી કાઢી મૂકજો.