લંડનઃ યુકેમાં પહેલીવાર અત્યંત ધિક્કાર અને નફરતની ભાવનાને આતંકવાદ ગણવામાં આવશે. મહિલાઓ અને કિશોરીઓ વિરુદ્ધની હિંસા સામે કડક પગલાં લેવા સરકારે નવી યોજના તૈયાર કરી છે. હોમ સેક્રેટરી કુપરે આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની સમીક્ષા કરવા, હાલના કાયદાઓમાં રહેલાં છીંડાની તપાસ કરવા અને નવી કટ્ટર વિચારધારાઓની સમીક્ષાનો આદેશ આપ્યો છે.
આ પ્રસ્તાવ અંતર્ગત શિક્ષકો, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને સ્થાનિક સત્તામંડળોની ભુમિકા મહત્વની રહેશે. તેમણે કટ્ટર વિચારધારા ધરાવતા શંકાસ્પદ વિદ્યાર્થીઓની જાણ સરકારને કરવાની રહેશે જેથી કટ્ટર ધિક્કાર અને નફરતને રોકી શકાય.
કુપરે જણાવ્યું હતું કે, ઘણા લાંબાસમયથી સરકારો વધી રહેલા કટ્ટરવાદને નાથવામાં નિષ્ફળ રહી છે. ધિક્કારપૂર્મ ઉશ્કેરણી આપણા સામાજિક તાણાવાણા અને લોકશાહીને બરબાદ કરી રહી છે. તાજેતરના વર્ષોમાં ઉગ્ર કટ્ટરવાદ સામેના પગલાં બોદાં પૂરવાર થયાં છે. તેથી મેં હોમ ઓફિસને કટ્ટરવાદની ઝડપી સમીક્ષાના આદેશ આપ્યા છે.