લંડનઃ યુકેમાં પહેલીવાર એક વૃદ્ધ દંપતીએ જીવનનો અંત આણવા બે સૂસાઇડ પોડની માગ કરી છે. 80 વર્ષીય ક્રિસ્ટિન સ્કોટ અને 86 વર્ષીય પીટર સ્કોટે જીવનનો અંત આણવા વિવાદાસ્પદ સાર્કો મશીનનો ઉપયોગ કરવા સ્વિત્ઝર્લેન્ડ સ્થિત સૂસાઇડ ગ્રુપ ધ લાસ્ટ રિસોર્ટ સાથે કરાર કર્યો છે.
અખબારી અહેવાલો પ્રમાણે ક્રિસ્ટિન ડિમેન્સિયાથી પીડિત છે અને તેમણે એનએચએસમાં મળતી સારવાર અંગે ઘેરી ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. પીટર સ્કોટ કહે છે કે અમે વૃદ્ધાવસ્થાની પીડા અને નબળાઇઓને અવગણવા માગીએ છીએ. મારી પત્નીની માનસિક ક્ષમતાઓ ઘટી રહી છે. મને વિશ્વાસ નથી કે એનએચએસમાં તેને સમયસર સારવાર મળી રહેશે. જેના કારણે તેને ઘણી પીડામાંથી પસાર થવું પડી શકે છે.
શું છે સાર્કો મશીન
યુથેનિસિયા કેમ્પેન ગ્રુપ એક્ઝિટ ઇન્ટરનેશનલના ડો. ફિલિપ નિટ્સ્કે દ્વારા એક કેપ્સ્યુલ તૈયાર કરાઇ છે. જેમાં મોત ઇચ્છનાર વ્યક્તિને મૂકવામાં આવે છે. તે વ્યક્તિ જાતે અંદરથી મિકેનિઝમ એક્ટિવેટ કરીને જીવનનો અંત આણી શકે છે.
યુકે સરકારનું શું માનવું છે
યુકેના હેલ્થ એન્ડ સોશિયલ કેર સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે આસિસ્ટેડ સૂસાઇડ કાયદાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, અપુરતી સારવાર ઉપલબ્ધ થવાના કારણે ઘણા લોકો મોતને પસંદ કરી શકે છે. હાલની સિસ્ટમ જીવનના અંત સુધી પહોંચેલા લોકોને ઇચ્છામૃત્યુની પસંદગીમાં મદદ કરે છે કે કેમ તે હું કહી શક્તો નથી.