લંડનઃ બ્રિટનમાં વૃદ્ધોને નોકરી આપવાની પ્રથા શરૂ થઈ છે. સરકારી સંસ્થા બિઝનેસ ચેમ્પિયન ફોર એલ્ડર પીપલે સરકારી અને ખાનગી કંપનીઓને નિવૃત્તિ વય વધારવા અને ૫૦- ૬૯ વયજૂથના લોકોને વધુ નોકરી આપવા વિનંતી કરી છે. કાર્યદળમાં યુવાવર્ગની ઘટતી સંખ્યા ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. સંસ્થાના પ્રમુખ એન્ડી બ્રિગ્સે જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં બ્રિટનમાં અંદાજે ૧૪૫ લાખ નોકરી આવશે, જેને ભરવા માટે યુવાનો માત્ર ૭૦ લાખ હશે. આમ, અડધા ઉપરાંતની જગ્યા ખાલી રહી જવાથી અમારે વૃદ્ધ વર્કફોર્સ વધારવો પડશે.
સંસ્થાના અભિયાનનો ઉદ્દેશ ૨૦૨૨ સુધી ૫૦ કરતાં વધુ વયના ૧૦ લાખ લોકોને નોકરીમાં સમાવવાનો છે. આ સંબંધે વૃદ્ધોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તેમને અનુકૂળ આવે તે રીતે કામના કલાકો રાખવા કંપનીઓને વિનંતી પણ કરાય છે.
૨૦૩૦ સુધીમાં ૧૮ ટકાથી વધુ વૃદ્ધ વર્કફોર્સ
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અનુસાર વૃદ્ધોને નોકરી આપવાનો ટ્રેન્ડ ધીમે-ધીમે આખી દુનિયામાં વધશે. ખાસ કરીને ધનિક દેશોમાં આવું પહેલાં બનશે. ૨૦૩૦ સુધી ૫૬ વર્ષથી વધારે વયના કામદારોની સંખ્યા ૧૮ ટકા કરતાં વધુ વધશે. યુવા અને વૃદ્ધ વર્કફોર્સનો ગેપ ભરાઈ જશે તે પ્રશ્નના ઉત્તરમાં બ્રિગ્સે કહ્યું કે જો કંપનીઓ ૫૦થી વધુ વયના લોકોની ભરતી કરે તો આ શક્ય છે. દર વર્ષે ભરતીનો ચોક્કસ હિસ્સો વૃદ્ધો માટે રાખવો જોઈએ. વૃદ્ધ કર્મચારીઓનો અનુભવ હંમેશા લાભદાયી રહે છે. તેમને માત્ર સમય પ્રમાણે તાલીમ આપવી પડે છે. મોટા ભાગના લોકો જલદી નિવૃત્ત થવા માંગતા નથી.
એક વર્ષમાં ૫૫થી વધુ વયના ૧.૭૦ લાખ લોકોને જોબ
કેનેડામાં વૃદ્ધોને નોકરી આપવાની શરૂઆત બે વર્ષ પહેલાં થઈ છે, જ્યાં સપ્ટેમ્બર ૨૦૧૫થી સપ્ટેમ્બર ૨૦૧૬ દરમિયાન ૫૫ વર્ષથી વધુ વયના ૧.૭૦ લાખથી વધુ લોકોને નોકરી અપાઈ હતી. કુલ ભરતીમાં યુવાનોની તુલનાએ ૫૫ વર્ષથી વધુ વયના લોકોની સંખ્યા ૦.૪ ટકા વધુ હતી. દરમિયાન દેશનો ઓલ્ડ વર્કફોર્સ અંદાજે પાંચ ટકા વધ્યો હતો કારણકે, યુવા વર્કફોર્સ ઓછો છે અને લોકોમાં વધુ વય સુધી કામ કરવાની ઈચ્છા છે.