લંડનઃ પ્રાઈમરી રિસેપ્શન ક્લાસના એકંદરે ૯.૩ ટકા બાળકો વર્ષ ૨૦૧૫-૧૬માં સ્થૂળ જણાતા ઈંગ્લેન્ડમાં સ્થૂળતાની સમસ્યા ઘેરી બની હોવાનું NHS ડીજીટલ દ્વારા પ્રસિદ્ધ અહેવાલમાં જણાયું છે. સમગ્ર દેશમાં રિસેપ્શન ક્લાસના બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ ૨૧.૯ ટકાથી વધીને ૨૨.૧ ટકા થયું છે. પ્રાઈમરી સ્કૂલના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતા ૧૦ અને ૧૧ની વયના સ્થૂળ બાળકોની ટકાવારી ૨૦૧૪-૧૫માં ૧૯.૧ ટકા હતી તે પણ ગયા વર્ષે વધીને ૧૯.૮ ટકા થઈ છે. એટલે કે દર પાંચ બાળકમાંથી એક સ્થૂળ છે.
ઓછાં પછાત વિસ્તારોમાં રહેતા સ્થૂળ બાળકોની ટકાવારી ૫.૫ હતી, જે અતિ પછાત વિસ્તારોમાં બમણા કરતાં વધુ એટલે કે ૧૨.૫ ટકા હતી. નેશનલ ચાઈલ્ડ મેઝરમેન્ટ પ્રોગ્રામ (NCMP) હેઠળ ચિલ્ડ્રન્સ બોડી માસ ઈન્ડેક્સ (BMI) ની વાર્ષિક માપણીમાં આ માહિતી જાણવા મળી હતી. આખા ઈંગ્લેન્ડમાં સાઉથ-વેસ્ટ લંડનના રિચમન્ડ અપોન થેમ્સમાં સ્થૂળ બાળકોની સંખ્યા ઓછી છે, જ્યાં છ વર્ષના ૧૧ ટકા બાળકો સ્થૂળ છે. તેનાથી વિપરીત ઈસ્ટ લંડન બરો ઓફ બાર્કિંગ એન્ડ ડેગનહામમાં તેટલી જ વયના ૨૮.૫ ટકા બાળકો સ્થૂળ છે.
બીજું એ કે છોકરીઓ કરતાં છોકરા વધારે ઓવરવેઈટ છે. રિસેપ્શન ક્લાસના વિદ્યાર્થીઓમાં ૯.૧ ટકા છોકરીઓની સામે ૯.૬ ટકા છોકરા સ્થૂળ જણાયા હતા. તે જ રીતે છ વર્ષની ૧૭.૯ ટકા છોકરીઓની સરખામણીમાં ૨૧.૭ ટકા છોકરા સ્થૂળ છે. ૨૦૧૪-૧૫માં બાળકોમાં સ્થૂળતાના પ્રમાણમાં થયેલા નજીવા ઘટાડા બાદ આ ફરી વધારો નોંધાયો છે.