લંડનઃ યુકે દ્વારા વિદેશી યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રતિભાશાળી ગ્રેજ્યુએટ્સને આકર્ષવા હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિડ્યુઅલ (HPI) પ્રકારના નવા વિઝા 30 મેના રોજ જાહેર કરાય તેવી સંભાવના છે. આ ગ્રેજ્યુએટ્સને તેમની ડિગ્રીના સ્તરના આધારે યુકેમાં બે અથવા ત્રણ વર્ષ રહેવા અને કામ કરવાની પરવાનગી આપવામાં આવશે. અરજદારોને નોકરીની ઓફરના પત્રની જરૂર રહેશે નહિ અને આ વિઝાધારકોને યુકેમાં આવી કામ કરવા, સ્વરોજગાર માટે વોલન્ટીઅર થવાની છૂટછાટ મળશે. આ વિઝાની ફી 715 પાઉન્ડ હશે.
મિનિસ્ટર ફોર સેફ એન્ડ લીગલ માઈગ્રેશન કેવિન ફોસ્ટરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘નવો હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિડ્યુઅલ (HPI) રુટ યુકે આવવાની ઉચ્ચ ગર્ભિત ક્ષમતા દર્શાવતા અને આંતરરાષ્ટ્રીય ગતિશીલ વ્યક્તિઓ માટે તદ્દન સરળ બની રહેશે. જેમણે શૈક્ષણિક સિદ્ધિઓ થકી યુકે આવવાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું હોય તેમના માટે નોકરીની આગોતરી ઓફર વિના જ યુકે આવવાનું શક્ય બનશે.’ આ ઉપરાંત, આ વિઝા મુદ્દે કેટલીક જરૂરિયાતો શું હશે તેના અહેવાલોએ પણ સંબંધિત માહિતી પૂરી પાડી છે.
HPI વિઝા માટે શૈક્ષણિક જરૂરિયાતો
આ વિઝા માટે પ્રાથમિક પગલું વિશ્વવિખ્યાત યુનિવર્સિટીમાંથી મેળવેલી ડિગ્રી રહેશે. બ્રિટિશ સરકાર વર્ષમાં એક વખત Gov.uk વેબસાઈટ પર તેની યાદી જાહેર કરશે. આમાં વિશ્વમાં સર્વોચ્ચ 50માં સ્થાન ધરાવતી ત્રણ પ્રખ્યાત રેન્કિંગમાંથી બેમાં સ્થાન ધરાવતી સ્કૂલ્સનો પણ સમાવેશ કરવામાં આવશેઃ
(૧) ટાઈમ્સ હાયર એજ્યુકેશન વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ
(૨) ક્વેક્યુરે્લી સાયમન્ડ્સ (QS) વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ
(૩) ધ એકેડેમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટી્ઝ
આ ઉપરાંત, અરજી કર્યાના પાંચ વર્ષની અંદર તમને ડિગ્રી એનાયત કરાઇ હોવી જોઈએ. આ ડિગ્રી કોઈ પણ વિદ્યાશાખાની હોઈ શકે પરંતુ, યુકેની બેચલર્સ ડિગ્રીની સમકક્ષથી ઓછી ન હોવી જોઈએ.
ઈંગ્લિશ ભાષાની જરૂરિયાતો
જો તમારો ડિગ્રીનો અભ્યાસ ઈંગ્લિશ ભાષામાં કરાયો ન હોય તો તમારે સ્વીકૃત ઈંગ્લિશ લેન્ગ્વેજ ટેસ્ટમાં ઓછામાં ઓછું B1 લેવલ પાસ કરવાનું રહેશે. જો તમે ડિગ્રીનો અભ્યાસ ઈંગ્લિશ ભાષામાં કર્યો હોય તો તમારે ડિગ્રી આપનાર સંસ્થા કે પાસેથી સર્ટિફેકેટ અથવા યુનિવર્સિટી ટ્રાન્સસ્ક્રીપ્ટ રજૂ કરવાની રહેશે. જો ડિગ્રી યુકેની બહાર એનાયત કરવામાં આવી હોય તો તમારે Ecctis પાસેથી કન્ફર્મેશન મેળવવાનું રહેશે કે આ ક્વેલિફિકેશન યુકેની બેચલર, માસ્ટર્સ અથવા ડોક્ટરેટ ડિગ્રીના આવશ્યક માપદંડ કે ધોરણો અનુસારનું છે.
નાણાકીય જરૂરિયાતો
હાઈ પોટેન્શિયલ ઈન્ડિવિડ્યુઅલ (HPI) વિઝા અરજી કરવાના 31 દિવસથી ઓછાં ન હોય તે રીતે તમારા બેન્ક એકાઉન્ટમાં સતત 28 દિવસ સુધી ઓછામાં ઓછાં 1,270 પાઉન્ડની સમકક્ષ રકમ હોવાનું તમારે દર્શાવવાનું રહેશે. જો તમે 12 મહિના કરતાં વધુ સમયથી યુકેના રહેવાસી હશો તો તમારે આ જરૂરિયાત પૂર્ણ કરવાની રહેશે નહિ.
યુકેમાં કેટલો સમય રહી શકાશે?
બેચલર અથવા માસ્ટર્સ ડિગ્રી સાથેના ગ્રેજ્યુએટ્સને બે વર્ષના વિઝા અપાશે. PhD અથવા અન્ય ડોક્ટરેટલ લેવલના ગ્રેજ્યુએટ્સને ત્રણ વર્ષ માટે માન્ય વિઝા મળશે. આ વિઝા માત્ર એક વખત અપાશે અને જેમની પાસે ગ્રેજ્યુએટ વિઝા હશે તેમના માટે આ વિઝા પ્રાપ્ય નહિ રહે.
HPI વિઝા સમાપ્ત થયા પછી શું?
તમે માટે સીધા જ અરજી કરી શકશો નહિ. આના બદલે, તમારા વિઝા સમાપ્ત - પૂર્ણ થાય તે પહેલાં જ તમે સ્કીલ્ડ વર્કર, સ્ટાર્ટઅપ અને ઈનોવેટર, અસાધારણ પ્રતિભા હેઠળ પરમિટમાં બદલાવી શકો છો અથવા વિઝા રુટને પ્રમાણ મુજબ વધારી શકો છો.
શું આશ્રિતોને સાથે લાવી શકાય?
તમે તમારા પાર્ટનર અથવા 18 વર્ષથી ઓછી વયના બાળકો જેવા આશ્રિતોને સાથે લાવી શકો છો. પાર્ટનરનો અર્થ જીવનસાથી, સિવિલ પાર્ટનર અથવા અપરીણિત પાર્ટનરનો થાય છે. જોકે, અપરીણિત પાર્ટનર્સે તેઓ ઓછામાં ઓછાં બે વર્ષથી સાથે રહે છે તે દર્શાવવું ફરજિયાત છે અને તેમની રિલેશનશીપ સાચી છે.