લંડનઃ વધી રહેલા જીવનનિર્વાહ ખર્ચને કાબુમાં લાવવા બેન્ક ઓફ ઈંગ્લેન્ડના પ્રયાસો છતાં, ફેબ્રુઆરીમાં યુકેના વાર્ષિક ફૂગાવામાં નોંધપાત્ર વધારો થયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ જાન્યુઆરીના 10.10 ટકા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) ની સરખામણીએ ફેબ્રુઆરીમાં વધીને 10.40 ટકા થયો હતો જે ચાર મહિનાની ટોચે છે. વધતા ફૂગાવાના પગલે બેન્ક ઓફ ઈંગ્લેન્ડે ફુગાવાને કાબૂમાં લેવા વ્યાજ દરોમાં 0.25 ટકાનો વધારો કરીને હવે 4.25 ટકા કર્યો છે.
ખાદ્ય તથા ઊર્જા બિલ્સમાં વધારાને પરિણામે ફુગાવો ઊંચે ગયો છે. યુકે સરકારે ગત સપ્તાહે જ આગાહી કરી હતી કે વર્ષના અંત સુધીમાં ઈન્ફ્લેશનમાં 2.9 ટકા જેટલો ઘટાડો થશે અને દેશ મંદીની સ્થિતિને ટાળશે. જોકે, ફૂગાવાની આગાહી સાચી પડી નથી. ફેબ્રુઆરીમાં ખાદ્ય ફુગાવો 18 ટકા રહ્યો છે જે જાન્યુઆરીમાં 16.7 ટકા હતો. ગયા વર્ષની સરખામણીમાં ઘરેલુ વીજળી અને કુદરતી ગેસના બિલમાં 27 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ફુગાવામાં આટલા ઉછાળાથી એનાલિસ્ટોને આશ્ચર્ય થવા સાથે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પર વ્યાજ દરમાં વધારો કરવાનું દબાણ આવ્યું છે. યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ બાદ 24 કલાકની અંદર બેન્ક ઓફ ઈંગ્લેન્ડે લોન મોંઘી કરી છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડનું કહેવું છે કે લોકોને અગાઉના અંદાજ કરતાં વહેલા મોંઘવારીમાંથી રાહત મળી શકે છે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડની અર્થવ્યવસ્થા માટે વધુ સારા દેખાવની આશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આર્થિક વૃદ્ધિમાં તેજી આવશે. બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પોલિસી કમિટીએ કોરોના મહામારી અને યુક્રેન પર રશિયાના હુમલા બાદ સતત 11મી વખત વ્યાજદરમાં વધારો કર્યો છે.