લંડનઃ યુકેમાં બેરોજગારીનો દર છેલ્લા અઢી વર્ષની સૌથી ઊંચી સપાટી પર પહોંચી ગયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સે જારી કરેલા આંકડા અનુસાર ફેબ્રુઆરી-એપ્રિલ 2024માં બેરોજગારીનો દર વધીને 4.4 ટકા પર પહોંચી ગયો છે જે સપ્ટેમ્બર 2021 પછીની સૌથી ઊંચી સપાટી છે. ઓફિસે એમ પણ જણાવ્યું છે કે ઇનએક્ટિવિટી રેટમાં પણ વધારો નોંધાયો છે. 22.3 ટકા કામ કરી શકે તેવા લોકો સક્રિય રીતે રોજગાર શોધતા જ નથી.
ટ્રેડ યુનિયન કોંગ્રેસના જણાવ્યા અનુસાર વિશ્વના 38 સૌથી અમીર દેશોમાં યુકેમાં બેરોજગારી સૌથી ઝડપથી વધી રહી છે. 38 સભ્ય દેશોમાં ફક્ત કોસ્ટારિકામાં જ જાન્યુઆરીથી માર્ચ વચ્ચે રોજગાર ગુમાવનારાની સંખ્યા બ્રિટન જેટલી રહી હતી.
ટ્રેડ યુનિયન કોંગ્રેસના જણાવ્યા અનુસાર યુકેના દરેક વિસ્તારમાં બેરોજગારી વધવાની સાથે નોકરીની તકો ઘટી રહી છે. દુર્ભાગ્યની વાત એ છે કે કંપનીઓને યોગ્ય કુશળતા ધરાવતા કામદારો પણ મળી રહ્યાં નથી તેના કારણે પણ બેરોજગારીમાં વધારો થઇ રહ્યો છે.
ગયા મહિને બ્રિટન મંદીની ચુંગાલમાંથી બહાર આવી ગયો હોવા છતાં કંપનીઓએ જણાવ્યું છે કે અમે અમારા કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માગીએ છીએ. એક અલગ રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે 2024ના પ્રથમ 3 માસમાં યુકેનું ઉદ્યોગજગત કર્મચારીઓની છટણી કરવા અને નિયુક્તિઓ પર કાપ મૂકવાની યોજના બનાવી ચૂકયું છે. નોકરીઓમાં કાપ મૂકવા માટે કંપનીઓ આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારાને જવાબદાર ગણાવી રહ્યાં છે. પબ્લિક સેક્ટરની કંપનીઓ પણ બજેટમાં કાપ મૂકવા માટે કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના બનાવી રહી છે.