લંડનઃ લેહમાન બ્રધર્સની પડતીના કારણે ૨૦૦૮માં વૈશ્વિક નાણાકીય કટોકટી સર્જાયાના આઠ વર્ષ પછી બ્રિટનમાં સિટી બેન્કર્સનું બોનસ કલ્ચર પ્રસરીને લંડનના હાઈ-ટેક સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચ્યું છે, જ્યાં વેતન ઉપરાંત અપાતી રકમ ૪૪ બિલિયન પાઉન્ડના રેકોર્ડ સ્તરે પહોંચી છે. ફાઈનાન્સ અને ઈન્સ્યુરન્સ ક્ષેત્રના વર્કર્સને સર્વોચ્ચ સરેરાશ ૧૩,૪૦૦ પાઉન્ડની બોનસ રકમ મળી છે, જ્યારે હેલ્થ અને સોશિયલ કેર સ્ટાફને લગભગ કશું મળ્યું નથી. યુકેના મોટા ભાગના વર્કર્સ માટે નિયમિત પગારવધારો સાધારણ રહ્યો છે, જ્યારે ફાઈનાન્સિયલ સેક્ટરની બહારની પેઢીઓમાં ઉદાર બોનસના કારણે નાણાકીય કટોકટી અગાઉના ઊંચા બોનસીસ પાછા પડી ગયાં છે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS) અનુસાર માર્ચના અંત સુધીના વર્ષમાં કુલ બોનસ ચુકવણી ૪.૪ ટકા વધીને ૪૪.૩ બિલિયન પાઉન્ડના આંકડે પહોંચી હતી, જેમાં સૌથી વધુ ચુકવણી ફાઈનાન્સિયલ સેક્ટરમાં જ થઈ હતી. ગત આઠ વર્ષનો સર્વોચ્ચ આંકડો ૪૨.૫ બિલિયન પાઉન્ડ હતો.
વડા પ્રધાન થેરેસા મેએ બ્રેક્ઝિટ વોટ પછી અમીર-ગરીબ અસમાનતા દૂર કરવા વચન આપ્યું હતું ત્યારે રેકોર્ડ બોનસના કારણે મહત્ત્વપૂર્ણ સ્ટાફને અપાતાં વળતર અંગેનો વિવાદ પુનઃ છેડાય તેવી શક્યતા છે. મેએ માત્ર પસંદગીના લોકોને જ તગડાં વેતન મળતાં હોવાની ટીકા કરી હતી અને કંપનીઓ ચીફ એક્ઝિક્યુટિવ્સ અને સરેરાશ કંપની વર્કરના વેતન વચ્ચેનો રેશિયો પ્રસિદ્ધ કરે તેમ પણ તેઓ ઈચ્છે છે.
ફાઈનાન્સ અને ઈન્સ્યુરન્સ ક્ષેત્રના એમ્પ્લોયર્સે ગત વર્ષે તેમના સ્ટાફને ૧૩.૯ બિલિયન પાઉન્ડ ચુકવ્યા હતા, જે તેની અગાઉના વર્ષની સરખામણીએ ૨.૨ ટકા વધુ હતા. બીજી તરફ, આઈટી અને માર્કેટિંગ, એટવર્ટાઈઝિંગ અને પબ્લિક રિલેશન્સ (PR) સહિત કોમ્યુનિકેશન સર્વિસીસ જેવાં નોન ફાઈનાન્સિયલ સેક્ટર્સમાં બોનસીસ ૫.૪ ટકા વધી ૩૦.૪ બિલિયન પાઉન્ડ થયાં હતાં. ગયા વર્ષે કુલ ૪૩.૭ બિલિયન પાઉન્ડ બોનસીસનો મોટો હિસ્સો પ્રાઈવેટ સેક્ટરમાં હતો, જ્યારે જાહેર ક્ષેત્રનો હિસ્સો નગણ્ય હતો.