લંડનઃ ભારતની બે મસાલા બ્રાન્ડ એવરેસ્ટ અને એમડીએચમાં જંતુનાશકોના ઊંચા પ્રમાણને કારણે હોંગકોંગ, અમેરિકા અને સિંગાપોરમાં પ્રતિબંધ મૂકાયા બાદ બ્રિટનની ફૂડ વોચડોગે પણ ભારતમાંથી આયાત થતા તમામ પ્રકારના મસાલાની આકરી ચકાસણી કરવાના આદેશ આપ્યા છે.
ભારતથી આયાત થતા તમામ પ્રકારના મસાલા પર આકરાં પગલાં મધ્યે યુકેની ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સીએ જણાવ્યું હતું કે, ભારતીય મસાલાઓમાં કેન્સર જનક તત્વોના ઊંચા પ્રમાણ અંગે પ્રવર્તતી ચિંતાના કારણે અમે ભારતમાંથી આયાત કરાતા મસાલાઓમાં ઇથિલિન ઓક્સાઇડ સહિતના જંતુનાશકોના પ્રમાણની ચકાસણી માટેના વધારાના પગલાંના આદેશ જારી કર્યાં છે. જોકે આ પગલાં કેવા પ્રકારના રહેશે તે અંગે એજન્સીએ વિસ્તારથી કોઇ માહિતી આપી નથી.
એફએસએના ફૂડ પોલિસી ડેપ્યુટી ડિરેક્ટર જેમ્સ કૂપરે જણાવ્યું હતું કે, યુકેમાં ઇથિલિન ઓક્સાઇડના ઉપયોગને પરવાનગી નથી અને જડીબુટ્ટીઓ તથા મસાલાઓ માટે મહત્તમ પ્રમાણના નિયંત્રણો અમલમાં છે.
ભારત વિશ્વમાં મસાલાઓનો સૌથી મોટો નિકાસકાર, ઉત્પાદક અને વપરાશકાર દેશ છે. 2022માં બ્રિટને 128 મિલિયન ડોલરના મસાલાની આયાત કરી હતી. જેમાં ભારતથી આયાત કરાયેલા મસાલાઓનું મૂલ્ય 23 મિલિયન ડોલર હતું.