લંડનઃ યુકેમાં ભારતીય ડાસ્પોરાનો પ્રભાવ વધી રહ્યો છે. વંશીયતા આધારિત નિર્દેશાંકોમાં મકાનની માલિકી, શિક્ષણ અને પ્રોફેશનલ ઓક્યુપેશનમાં ભારતીય ડાયસ્પોરાએ મોખરાનું સ્થાન મેળવ્યું છે. 2021ના સેન્સસના ડેટા અનુસાર ભારતીય વંશીયતાની ઓળખ ધરાવતા લોકો ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પોતાની માલિકીનું ઘર ધરાવતા હોય તે સર્વસામાન્ય બાબત થઈ છે.
તમામ વંશીય જૂથોમાં શિક્ષણપ્રાપ્તિની બાબતે ચાઈનીઝ કોમ્યુનિટીની સાથે જ ભારતીય ડાયસ્પોરા સર્વોચ્ચ સ્તર ધરાવે છે તેમજ યુકેમાં વ્યાવસાયિક નોકરીધંધાના ક્ષેત્રે કામ કરતા લોકોમાં ભારતીય અને ચાઈનીઝ સંયુક્તપણે સૌથી વધુ પ્રમાણ ધરાવે છે.
2021ના સેન્સસનો ડેટા તબક્કાવાર જાહેર કરાઈ રહ્યો છે જેમાં હોમ ઓનરશિપ, એજ્યુકેશન એન્ડ પ્રોફેશનલ ઓક્યુપેશન ઇન્ડાઇસીસ બેઝ્ડ ઓન એથ્નીસિટી અંતર્ગત આ માહિતી જારી થઇ છે. આંકડાઓ દર્શાવે છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને હાઉસિંગ ક્ષેત્રે વંશીય જૂથોમાં ભારે અસમાનતા પ્રવર્તે છે. જે લોકોની ઓળખ ભારતીય વંશીયતાની છે તેમનામાં 71 ટકા લોકો મકાનની માલિકી ધરાવે છે જ્યારે શ્વેત બ્રિટિશરોમાં મકાનમાલિકી 68 ટકાની છે. બાંગલાદેશીની ઓળખ ધરાવતા લોકોમાં ગીચ વસ્તી સાથેના ઘરની માલિકી સામાન્ય છે અને 39 ટકા બાંગલાદેશી આવી સ્થિતિમાં રહે છે.
બીજી તરફ, બ્લેક ઓફ્રો-કેરેબિયન્સ તરીકે ઓળખાતા લોકોમાં સોશિયલ રેન્ટેડ હાઉસિંગ સૌથી સામાન્ય બાબત છે.
પ્રોફેશનલ ઓક્યુપેશન્સ કે નોકરીધંધા (જેમ કે, ડોક્ટર્સ, શિક્ષકો અને વકીલો)માં પણ ભારતીય અને ચાઈનીઝ વંશીય જૂથો એકસમાન 34 ટકા પ્રભુત્વ ધરાવે છે. આના પછી, વ્હાઈટ આઈરિશ (33 ટકા), આરબો (30 ટકા)ની સરખામણીએ પાકિસ્તાની (20 ટકા), બાંગલાદેશી (17 ટકા) અને વ્હાઈટ બ્રિટિશ (19 ટકા) જૂથો આવે છે.
2021 સેન્સસ ડેટામાં 19 વંશીય જૂથોનું એનાલિસીસ કરાયું છે જે મુજબ શિક્ષણક્ષેત્રે ચાઈનીઝ અને ભારતીય જૂથો સૌથી ઊંચું સ્તર ધરાવે છે જેમાં 56 ટકા ચાઈનીઝ અને 52 ટકા ભારતીય જૂથ આવી શૈક્ષણિક લાયકાત ધરાવે છે. આફ્રિકન જૂથ પણ તેમની નજીકમાં આવે છે.
સેન્સસમાં દરેક વ્યક્તિને તેમના આરોગ્યને ‘વેરી ગૂડ’થી ‘વેરી બેડ’નો ક્રમ આપવા જણાવાયું હતું. સમગ્ર વસ્તીમાંથી 48 ટકા લોકોએ તેમનું આરોગ્ય ‘ઘણું સારું’ હોવાનું જણાવ્યું હતું જ્યારે 1.2 ટકા લોકોએ પોતાના આરોગ્યને ‘ઘણું ખરાબ’ ગણાવ્યું હતું. સૌથી નબળાં આરોગ્યનો ક્રમ આપનારા વંશીય જૂથોમાં વ્હાઈટ આઈરિશ અને વ્હાઈટ જિપ્સીની ઓળખ ધરાવતા લોકો મોખરે હતા. બાંગલાદેશી લોકોએ મધ્યમ નબળાં આરોગ્યનો રિપોર્ટ કર્યો હતો.
જોકે, આ ગ્રૂપ 27 વર્ષની સરેરાશ વય સાથે પ્રમાણમાં યુવાન હોવાથી તે અપેક્ષિત હતું. ‘સૌથી સારાં’ આરોગ્યનો રિપોર્ટ કરનારા લોકોમાં વ્હાઈટ અને એશિયન લોકો 67 ટકા સાથે મોખરે રહ્યા હતા જ્યારે આફ્રિકન લોકોના જૂથમાં 65 ટકાનું આરોગ્ય ‘સૌથી સારું’ હતું. પાકિસ્તાની વંશીય જૂથમાં આરોગ્ય મુદ્દે બીજા ક્રમનો સૌથી વધુ લૈંગિક તફાવત જણાયો હતો જેમાં, 2.9 ટકા પુરુષોની સરખામણીએ 4.2 ટકા સ્ત્રીઓએ પોતાના આરોગ્યને ખરાબ ગણાવ્યું હતું. બીજી તરફ, 53 ટકા ભારતીય વંશીય જૂથ અને 46 ટકા વ્હાઈટ બ્રિટિશરોએ પોતાના આરોગ્યને ‘ઘણું સારું’ ગણાવ્યું હતું.
નોકરીધંધા કે રોજગાર મુદ્દે ‘અન્ય વ્હાઈટ’ વંશીયતા ધરાવતા લોકો આશરે 63 ટકા સાથે મોખરે રહ્યા હતા જ્યારે બ્રિટિશ વ્હાઈટ અને આઈરિશ વ્હાઈટ જૂથમાં આ ટકાવારી 62ની તેમજ ભારતીયો માટે 61 ટકાની રહી હતી. સ્વરોજગારીમાં 11 ટકા બ્રિટિશ વ્હાઈટ જૂથની સરખામણીએ ભારતીય જૂથની ટકાવારી 10ની હતી.
પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ આર્થિક કામગીરીમાં ઓછી સક્રિય જણાઈ હતી જેના કારણોમાં પરિવારની સારસંભાળ મુખ્ય મુદ્દો રહ્યો હતો. આ તફાવત બાંગલાદેશી અથવા પાકિસ્તાની વંશીય જૂથની ઓળખ ધરાવતા લોકોમાં સૌથી વધુ જણાયો હતો.