લંડનઃ બ્રિટનમાં સૌથી મોટો વંશીય લઘુમતી સમુદાય એવો ભારતીય સમુદાય યુકેનો સૌથી સફળ વંશીય લઘુમતી સમુદાય બન્યો છે. બ્રિટિશ ભારતીયોએ શ્વેત બ્રિટિશરોને પણ પાછળ પાડી દીધાં છે. પ્રોફેશન, પ્રતિ કલાક વેતન, મકાનની માલિકી હોય કે સ્વરોજગાર ભારતીય સમુદાયની સફળતાની ટકાવારી ઘણી ઊંચી રહી છે.
બ્રિટનમાં વસતા 71 ટકા ભારતીયો પોતાની માલિકીનું મકાન ધરાવે છે. બહુ ઓછા ભારતીયો તમને સોશિયલ રેન્ટેડ હાઉસિંગમાં જોવા મળશે. સામાજિક રીતે પણ ભારતીયો સૌથી વધુ સક્રિય રહે છે. તેઓ અન્ય લઘુમતી સમુદાયોની સરખામણીમાં તેમના સમુદાય કરતાં અન્ય સમુદાયોમાં વધુ મિત્રો ધરાવે છે. શિક્ષણના મામલમાં પણ ભારતીયો બ્રિટિશ ચીનીઓ પછી બીજા ક્રમે આવે છે.
પોલિસી એક્સચેન્જ દ્વારા આધુનિક બ્રિટન પર તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બ્રિટિશ ભારતીયો સૌથી સફળ વંશીય લઘુમતી સમુદાયોમાં સામેલ છે.
ભારતીયોની સરખામણીમાં પાકિસ્તાની અને બાંગ્લાદેશી સમુદાયો ઘણા પાછળ રહી ગયાં છે. પ્રોફેશન, પ્રતિ કલાક વેતનમાં તેઓ ભારતીયો કરતાં ઘણા પાછળ છે. આરબ અને બાંગ્લાદેશી સમુદાયો આર્થિક રીતે સૌથી નિષ્ક્રિય રહેતા સમુદાય છે.
બ્રિટનના શ્વેત સ્નાતકો ડાબેરી વિચારધારા તરફ વધુ ઝૂકી રહ્યાં છે તેની સરખામણીમાં બ્રિટિશ હિન્દુઓ જમણેરી વિચારધારાથી વધુ પ્રભાવિત છે.
બ્રિટિશ રાજનીતિમાં ભારતીયોનો દબદબો, કોમન્સમાં ભારતીય મૂળના 26 સાંસદ
બ્રિટિશ રાજનીતિમાં ભારતીયોનો દબદબો દિન પ્રતિદિન વધી રહ્યો છે. એકસમયે ભારત પર રાજ કરનારા બ્રિટનમાં પહેલીવાર ભારતીય મૂળના રિશી સુનાક વડાપ્રધાન બન્યાં તો સુએલા બ્રેવરમેન, પ્રીતિ પટેલે હોમ સેક્રેટરી પદ સંભાળ્યું. જુલાઇમાં યોજાયેલી ચૂંટણીમાં પણ હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય મૂળના 26 સાંસદ ચૂંટાઇ આવ્યાં છે.
બ્રિટનમાં 971 કંપની ભારતીયોની માલિકીની, સૌથી અમીર પરિવાર ભારતીય મૂળના હિન્દુજા
બ્રિટિશ ભારતીયો બ્રિટનમાં તમામ સેક્ટરમાં મહત્વની ભુમિકા સાથે યોગદાન આપી રહ્યાં છે. બ્રિટનની 971 જેટલી કંપનીઓની માલિકી ભારતીયો ધરાવે છે. બ્રિટનમાં સૌથી અમીર પરિવાર હિન્દુજા પરિવાર છે. ગ્રોસરી સ્ટોર, ફાર્મસી, રેસ્ટોરન્ટ અને હોટલ ઉદ્યોગ જેવા નાના બિઝનેસમાં પણ ભારતીયો અગ્રેસર રહ્યાં છે. ભારત સ્થિત મોટા ઔદ્યોગિક ગ્રુપો જેમ કે ટાટા, રિલાયન્સ, વિપ્રો, આઇશર મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીવીએસ મોટર્સ યુકેમાં વિવિધ કંપનીઓ હસ્તગત કરી ચૂકી છે.