લંડનઃ બોરિસ સરકારે રશિયા વિરુદ્ધ પ્રતિબંધો વધુ કઠોર બનાવવા યુકેમાં સંપત્તિ ધરાવતા રશિયન માંધાતાઓને લક્ષ્ય બનાવશે. રશિયા યુક્રેન સામે આક્રમક યુદ્ધના મોરચે કોઈ પણ પ્રકારે આગળ વધશે તો પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુટિન સાથે નિકટતા ધરાવતા ઉદ્યોગપતિઓ સામે પગલાં લેવાની સત્તા વધારવા ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસે હુંકાર કર્યો છે. બીજી તરફ, પુટિનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુકે દ્વારા કોઈ પણ પ્રતિબંધો બિઝનેસીસ પર સીધો હુમલો બની રહેશે.
ફોરેન સેક્રેટરી ટ્રસ યુક્રેન વિરુદ્ધ રશિયાના આક્રમણ સંદર્ભે યુકેના પ્રતિબંધ વધુ કડક બનાવવા માગે છે. તેમણે સાંસદોને જણાવ્યું હતું કે આ પ્રતિબંધક સત્તાઓમાં ફ્રોડ અને મની લોન્ડરિંગ કાયદા વધુ કડક બનાવવાનો સમાવેશ થાય છે. અત્યાર સુધી યુક્રેનની અસ્થિરતા સાથે સંકળાયેલાઓ સામે જ પ્રતિબંધો લાદી શકાતા હતા. કઠોર પગલાંમાં અનએક્સ્પ્લેઈન્ડ વેલ્થ ઓર્ડર્સ (UWO)નો સમાવેશ કરાશે. આના પરિણામે ક્રેમલિન સાથે નિકટતા ધરાવતી વ્યક્તિઓ અને બિઝનેસીસ સામે પગલાં લઈ શકાશે.
નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) કડક એન્ટિ કરપ્શન કાયદાઓ સાથે ખુલાસા નહિ કરાયેલી સંપત્તિ ધરાવતા હાઈ નેટ વર્થ સંપતિ ધરાવતા વિરુદ્ધ પગલાં લેશે. લંડનમાં લાખો પાઉન્ડની સંપત્તિ ધરાવતા રશિયનો સામે UWO લાગુ કરાશે તેમજ પુટિન સાથે ગાઢ સંબંધ ધરાવવાનો શક ધરાવતી વ્યક્તિઓએ તેમની સંપત્તિ ક્યાંથી આવી તેનો ખુલાસો કરવાનો રહેશે અથવા સરકાર દ્વારા તેની જપ્તી કરાવી લેવાશે. યુરોપીય યુનિયન છોડ્યા પછી યુકેના વલણમાં આ સૌથી મોટો ફેરફાર બની રહેશે.
લિઝ ટ્રસ દ્વારા ખરડાની કરાયેલી જાહેરાતનો અર્થ એ છે કે યુકે સંપત્તિ સ્થગિત કરવા અને પ્રવાસ પર પ્રતિબંધ લાદવા ઝડપથી યુએસ અને અન્ય મિત્રદેશોની હરોળમાં આવી જશે. યુકેમાં આશરે ૩૦૦,૦૦૦ રશિયનો અથવા નેચરલાઈઝ્ડ બ્રિટિશ રશિયન વસે છે જેમાંથી ઘણો નાનો હિસ્સો વિશાળ સંપત્તિ ધરાવે છે.