લંડનઃ સંયુક્ત રાષ્ટ્રએ યુકેને રાજકીય નેતાઓ સહિત કટ્ટરવાદીઓ દ્વારા થતી વંશીય ધિક્કારની ટિપ્પણીઓ અટકાવવા અપીલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું હતું કે, વ્હાઇટ સુપ્રિમસિસ્ટ અને ફાર રાઇટ સંગઠનો દ્વારા આચરાતા વંશીય કૃત્યો અને હિંસા ચિંતાનો વિષય છે.
યુકેમાં વંશીય ભેદભાવ અટકાવવા માટે લેવાયેલા પગલાંની સમીક્ષા અંતર્ગત આ અપીલ કરાઇ છે. આંતરરાષ્ટ્રીય કરાર સાથે સંકળાયેલા તમામ દેશોમાં આ પ્રકારની સમીક્ષા કરવામાં આવે છે. પોલીસ દ્વારા થતા વંશીય ભેદભાવ અને અન્યાય સામે પણ પગલાં લેવા યુકેને વિનંતી કરાઇ છે.
વંશીય ભેદભાવ નાબૂદી પર કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની સમિતિએ જણાવ્યું હતું કે, યુકેમાં હેટ ક્રાઇમ અને હેટ સ્પીચમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે જે ચિંતાજનક બાબત છે. લઘુમતી સમુદાયો, રાજ્યાશ્રયવાંચ્છુઓ અને નિરાશ્રીતો વિરુદ્ધના રેસિસ્ટ અપરાધો અને હિંસામાં વધારો થયો છે.
સમિતિએ જણાવ્યું છે કે યુકે સરકાર વંશીય ભેદભાવની ઘટનાઓની પોલીસ તપાસ, અપરાધીઓ સામે ખટલા અને સોશિયલ મીડિયા પર હેટ સ્પીચ અટકાવે. એ વાતમાં કોઇ શંકા નથી કે યુકે સરકાર દ્વારા આ દુષણને નાથવા માટે તાજેતરના વર્ષોમાં પગલાં લેવાયાં છે. પરંતુ એશિયન, આફ્રિકન અને આરબ મૂળના વંશીય લઘુમતી સમુદાયો જે હદે હેટ ક્રાઇમનો ભોગ બની રહ્યાં છે તે ચિંતાજનક છે.