લંડનઃ દેશમાં ખિસ્સાકાતરૂઓ અને ચીલઝડપ કરનારા માટેના સ્વર્ગસમાન ટોચના 10 સ્થળ લંડનમાં આવેલા છે. સેન્ટ્રલ લંડનમાં સ્થિત વેસ્ટમિન્સ્ટર સિટી કાઉન્સિલ એરિયા દેશમાં ખિસ્સાકાતરૂઓ માટેનો સૌથી બદતર એરિયા છે. આ વિસ્તારમાં દર એક લાખ લોકોએ 133.21 ખિસ્સા કાતરવાની ઘટનાઓ ઘટી હતી. ખિસ્સા કાપવાની ઘટનાઓમાં સૌથી વધુ 712.32 ટકાનો વધારો વેસ્ટમિન્સ્ટરમાં જ નોંધાયો હતો. સૌથી વધુ ચીલઝડપ મોબાઇલ ફોનની નોંધાઇ હતી.
બીજા સ્થાને કેમડેન વિસ્તાર આવે છે. અહીં ખિસ્સા કાતરવાની 6800 કરતાં વધુ ઘટના નોંધાઇ હતી જે દર 1000 વ્યક્તિએ 31.4 ઘટના છે. ત્રીજા સ્થાને છેલ્લા એક વર્ષમાં ખિસ્સા કાતરવાની 6000 ઘટના સાથે સાઉથવાર્ક વિસ્તાર આવે છે.
ખિસ્સાકાતરૂઓના સ્વર્ગસમાન વિસ્તાર
- વેસ્ટમિન્સ્ટર સિટી કાઉન્સિલ એરિયા –
- કેમડેન
- સાઉથવાર્ક
- કેન્સિંગટન અને ચેલ્સિયા
- હેકની
- આઇસલિન્ગટન
- લામ્બેથ
- ન્યૂહામ
- ટાવર હેમલેટ્સ
- હેરિનગે
ચોરી પરની કોન્ફરન્સમાં પોલીસ મિનિસ્ટરનું જ પર્સ ચોરાયું...
યુકેમાં ખિસ્સાકાતરૂઓ, ફોન ઝૂંટવીને ફરાર થઇ જનારા, દુકાનોમાંથી ચોરી કરનારાઓ માઝા મૂકી રહ્યાં છે ત્યારે પોલીસ એન્ડ ક્રાઇમ મિનિસ્ટર ડેમ ડાયના જ્હોન્સનનું પોલીસ કોન્ફરન્સમાંથી જ પર્સ ચોરાઇ ગયું હતું. જ્હોન્સન સેન્ટ્રલ ઇંગ્લેન્ડમાં પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટોના એસોસિએશનને દેશમાં વધી રહેલી ચોરી અને શોપ લિફ્ટિંગની ઘટનાઓ પર સંબોધન કરી રહ્યાં હતાં. વોર્વિકશાયર પોલીસે ચોરીની શંકાના આધારે 56 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી પાછળથી જામીન પર મુક્ત કર્યો હતો.
જ્હોન્સને સંબોધનમાં જણાવ્યું હતું કે, આપણો દેશ અસામાજિક પ્રવૃત્તિઓના સકંજામાં જકડાઇ ગયો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં તાકિદે સુધારો કરવાની જરૂર છે. સરકાર પોલીસને આ પ્રકારના અપરાધો સામે વધારાની તાલીમ આપશે.