લંડનઃ બ્રેક્ઝિટ પછી વિઝા અને માસ્ટરકાર્ડ્સની પ્રોસેસિંગ ફીઝ અને ક્રોસ-બોર્ડર વ્યવહારો પરના ચાર્જીસમાં ધરખમ વધારા બાબતે યુકેના પેમેન્ટ સિસ્ટમ્સ રેગ્યુલેટર (PSR) દ્વારા તપાસ હાથ ધરાનાર છે. રેગ્યુલેટર દ્વારા જણાવાયું છે કે યુકેએ ઈયુ છોડ્યા પછી વિઝા અને માસ્ટરકાર્ડ્સે આ ફીઝમાં પાંચગણો વધારો કર્યો છે.
પેમેન્ટ સિસ્ટમ્સ રેગ્યુલેટરે જણાવ્યું છે કે તેઓ આ વધારા પાછળનો તર્ક જાણવા ઈચ્છે છે કે શું આ બજાર બરાબર કામ કરતું નહિ હોવાની નિશાની છે. યુકેમાં માસ્ટરકાર્ડ અને વિઝા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સના પેમેન્ટના લગભગ 99 ટકા જથ્થા અને મૂલ્યનું પ્રોસેસિંગ કરે છે. બ્રિટને ઈયુ છોડ્યા પછી યુકે અને યુરોપ વચ્ચે ટ્રાન્ઝેક્શન ફી પરની મર્યાદા દૂક કરવામાં આવી હતી જેના પરિણામે, કાર્ડ ઓપરેટર્સને ક્રોસ-બોર્ડર વ્યવહારો પરના ચાર્જીસમાં વધારો કરવાની છૂટ મળી ગઈ હતી.
માસ્ટરકાર્ડ અને વિઝા તેમના નેટવર્ક્સનો ઉપયોગ કરનારા દરેક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ્સના પેમેન્ટ માટે બેન્કો વતી ‘ઈન્ટચેઈન્જ’ ફી વસૂલે છે. છુપાયેલી ફીના કારણે કંપનીઓને ખર્ચા અને ગ્રાહકો માટે ઊંચા ભાવ તરીકે બિલિયન્સ યુરોનું નુકસાન થતું હોવાની ચિંતા સાથે ઈયુએ 2015માં ટ્રાન્ઝેક્શન ફી પર મર્યાદા લાદી હતી. માસ્ટરકાર્ડ અને વિઝા યુકેથી ઈયુ માટે કરાતા દરેક ઓનલાઈન ક્રેડિટ કાર્ડ પેમેન્ટની વેલ્યુ પર 1.5 ટકા ચાર્જ વસૂલે છે જે અગાઉ, 0.3 ટકા હતો. ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે આ ચાર્જ 0.2 ટકાથી વધારીને 1.15 ટકા કરાયો છે.