લંડનઃ એક ન્યૂઝ ચેનલ દ્વારા કરાયેલા અંડરકવર ઇન્વેસ્ટિગેશનમાં દાવો કરાયો છે કે વ્હાઇટ સુપ્રિમિસ્ટનું એક ફાર રાઇટ ગ્રુપ ગુપ્ત રીતે લડાકુઓ તૈયાર કરી રહ્યું છે. એક ફિટનેસ ક્લબના ઓથા હેઠળ તેઓ તાલીમી શિબિરો યોજી રહ્યાં છે. ચેનલે દાવો કર્યો છે કે એક્ટિવ ક્લબ ઇંગ્લેન્ડ અમેરિકા અને યુરોપમાં પ્રસ્થાપિત નિઓ-નાઝી બ્લૂ પ્રિન્ટને અનુસરી રહી છે. આ ગ્રુપ કથિત રેસ વોર માટે તેના સભ્યોને કટ્ટરવાદી બનાવી રહ્યું છે.
2024માં ફાટી નીકળેલા સમર રાયોટ્સ બાદ આ ગ્રુપમાં જોડાનારા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. હાલ આ ગ્રુપના 100 કરતાં વધુ સભ્યો છે. તેઓ દર 15 દિવસે સાઉથ લંડનના વોક્સહોલ સ્થિત એક પાર્કમાં તાલિમ માટે એકઠાં મળે છે. એમઆઇ6નું હેડક્વાર્ટર આ પાર્કથી થોડા ડગલાં દૂર આવેલું છે.
હાલમાં આ ગ્રુપમાં સામેલ થયેલો એક સભ્ય સુપર માર્કેટમાં ચાકૂ વડે હુમલા કરવાના કેસમાં જેલ કાપીને આવ્યો છે. ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર એક્ટિવ ક્લબ ઇંગ્લેન્ડ બ્રિટનના સૌથી મોટા વ્હાઇટ સુપ્રિમિસ્ટ સંગઠનો પૈકીની એક બની ગઇ છે. ન્યૂઝ ચેનલે જાતે ગુપ્ત તે ઓક્ટોબર 2024થી ફેબ્રુઆરી 2025 વચ્ચે યોજાયેલી ક્લબની 12 બેઠકોમાં ભાગ લીધો હતો. તેઓ આ બેઠકોમાં શસ્ત્રોના ઉપયોગ અને તક સર્જાય ત્યારે સત્તા હાંસલ કરવાની ચર્ચા કરતા હોય છે. તેઓ લંડનમાં એક સ્થળ રાખવાની પણ તૈયારી કરી રહ્યાં છે જેથી ચાકુબાજીની તાલીમ આપી શકાય.