લંડનઃ બ્રિટનમાં 4 જુલાઇના રોજ સંસદની ચૂંટણી જાહેર થતાં ભારત અને યુકે વચ્ચેનો પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર વધુ વિલંબિત થવાની સંભાવના છે. ભારતના વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર જે મુદ્દાઓને અંતિમ સ્વરૂપ આપવાનું હતું તે અપાઇ ચૂક્યું છે પરંતુ કેટલાક મુદ્દા એવા છે જેના પર બંને દેશના વડાપ્રધાન જ નિર્ણય લેશે. ભારતમાં હાલ ચૂંટણી ચાલી રહી છે અને 4 જૂનના રોજ નવી સરકારની જાહેરાત થઇ જશે પરંતુ બ્રિટનમાં ચૂંટણી જાહેર થતાં હવે જુલાઇમાં નવી સરકારની રચના બાદ મુક્ત વેપાર કરારના પડતર મુદ્દાઓ પર નિર્ણય આવી શકે છે. આગામી થોડા દિવસોમાં એક બ્રિટિશ પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે જવાનું હતું પરંતુ હવે આ મુલાકાત 4 જુલાઇએ યોજાનારા મતદાન સુધી મોકૂફ રાખી દેવામાં આવી છે.
બ્રિટિશ વાણિજ્ય અધિકારીના જણાવ્યા અનુસાર આમ પણ સુનાક સરકારની પહેલી પ્રાથમિકતા ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ સાથેનો વેપાર કરાર છે. તેથી ભારત અને કેનેડા સાથેના મુક્ત વેપાર કરાર હાલપુરતા હાંસિયામાં ધકેલાઇ જવાની સંભાવના છે. યુકેમાં લેબર પાર્ટી પણ સત્તામાં આવી શકે છે. જો લેબર પાર્ટી સત્તામાં આવશે તો તે નવેસરથી ભારત સાથેના મુક્ત વેપાર કરારની સમીક્ષા શરૂ કરે તો કરાર અનિશ્ચિત મુદત માટે પાછો ઠેલાઇ શકે છે. આવી જ સંભાવનાઓ ભારતમાં નવી રચાનારી સરકાર પર પણ તોળાયેલી છે. 4 જૂનના રોજ ભારતમાં નવી સરકારની રચના બાદ બંને દેશ વચ્ચેના મુક્ત વેપાર કરારનું ભાવિ નક્કી થશે. અત્યાર સુધીમાં મુક્ત વેપાર કરાર પર બંને દેશ વચ્ચે 14 રાઉન્ડની મંત્રણા યોજાઇ ચૂકી છે.