લંડનઃ બ્રિટનમાં પરિવારજનોને લાવવાનું મુશ્કેલ બનતાં હેલ્થકેર સેક્ટરમાં કામ કરવા માટેના વિઝા મેળવવા થતી અરજીઓમાં મોટો ઘટાડો નોંધાયો છે. એપ્રિલ 2023ની સરખામણીમાં હેલ્થકેર વર્કર વિઝાની અરજીઓમાં 76 ટકા અને આશ્રિત પરિવારજનોના વિઝા માટેની અરજીઓમાં 58 ટકાનો ઘટાડો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુકેમાં મોટી સંખ્યામાં હેલ્થ અને કેર વર્કર્સ નવા વિઝા નિયમોને અનુરૂપ નવી જોબ ન મેળવી શકવાના કારણે દેશનિકાલના જોખમનો સામનો કરી રહ્યાં છે. સરકારનું કહેવું છે કે બ્રિટિશ કામદારોને સંરક્ષણ પ્રદાન કરવા અને ઇમિગ્રેશન પર નિયંત્રણ મેળવવા નવા હેલ્થ કેર વિઝા નિયમો જરૂરી હતાં.
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન ભારતીય વર્કરોની વહારે
યુકેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિતના ભારતીય કેર વર્કર્સ દેશનિકાલનો સામનો કરી રહ્યાં છે ત્યારે નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સે આ પ્રકારના વર્કર્સને મદદ કરવા સરકાર સમક્ષ ધા નાખી છે, સંસ્થાએ જણાવ્યું હતું કે, વિઝા મેળવવા માટે ઘણા વર્કર્સ દેવુ કરીને અહીં આવ્યા છે. હવે કોઇપણ વાંક વિના તેમને દેશનિકાલ કરવામાં આવી રહ્યાં છે. આમાંથી ઘણા વર્કર્સ ગુજરાતી છે. સરકારને કરાયેલી ઓનલાઇન અપીલમાં 10,000 કરતાં વધુ લોકોએ હસ્તાક્ષર કર્યાં છે.
વર્ષ 2023માં 2,51,000 ભારતીય ઇમિગ્રેશન પર યુકે પહોંચ્યા
2023માં ઇમિગ્રેશન દ્વારા બ્રિટન પહોંચેલા વિદેશી નાગરિકોમાં સૌથી મોટી સંખ્યા ભારતીયોની રહી છે. 1,27,000 ભારતીયો વર્ક વિઝા પર, 1,15,000 ભારતીયો સ્ટડી વિઝા પર અને 9000 ભારતીય અન્ય કારણોસર ઇમિગ્રેશન દ્વારા બ્રિટન પહોંચ્યા હતા. આમ કુલ 2,51,000 ભારતીય ઇમિગ્રેશન પર બ્રિટન પહોંચ્યા હતા. ભારતીયો બાદ બીજા ક્રમે 1,41,000 નાઇજિરિયન, 90,000 ચીની અને 83,000 પાકિસ્તાની ઇમિગ્રેશન પર બ્રિટન પહોંચ્યા હતા.
2024માં 10,000 માઇગ્રન્ટ્સને યુકેમાંથી દેશનિકાલ કરાયાં
યુરોપિયન માઇગ્રેશન પોલિસીના મોરચે મહત્વની સિદ્ધી હાંસલ કરતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, 2024માં યુકે સરકારે 10,000 માઇગ્રન્ટ્સને તેમના વતનના દેશમાં પરત મોકલી આપ્યાં છે જેમાંથી 1700 વિદેશી અપરાધીઓનો પણ સમાવેશ થાય છે જેઓ તેમના દેશમાં અપરાધ કર્યા બાદ યુકે નાસી આવ્યા હતા. યુકે બાદ હવે યુરોપિયન દેશો પણ ગેરકાયદેસર માઇગ્રેશન મુદ્દે આકરી નીતિ વિચારી રહ્યાં છે.
2023માં નેટ માઇગ્રેશનમાં 10 ટકાનો મોટો ઘટાડો નોંધાયો
2022માં નેટ માઇગ્રેશન રેકોર્ડ સપાટી પર પહોંચ્યા પછી સુનાક સરકાર દ્વારા લેવાયેલાં આકરા પગલાંને કારણે 2023માં નેટ માઇગ્રેશનમાં 10 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર યુકેમાં આવતા અને યુકે છોડીને જતા લોકોની સંખ્યા વચ્ચેનો તફાવત ડિસેમ્બર 2023માં 6,85,000 રહ્યો હતો જે ડિસેમ્બર 2022માં 7,64,000 પર પહોંચી ગયો હતો.
એક વર્ષમાં સૌથી વધુ 54 ટકા સ્કીલ્ડ વર્કર વિઝા રસોઇયાના ફાળે
યુકેમાં રસોઇયાઓની ભારે માગ પ્રવર્તી રહી છે. સ્કીલ્ડ વર્કર વિઝા પર આવતા માઇગ્રન્ટ્સમાં સૌથી વધુ શેફ એટલે કે રસોઇયાનો સમાવેશ થાય છે. એક સત્તાવાર આંકડા અનુસાર છેલ્લા એક વર્ષમાં જારી કરાયેલા સ્કીલ્ડ વર્કર વિઝામાં 54 ટકા રસોઇયા માટેના વિઝા જારી કરાયા હતા. પ્રોગ્રામર અને સોફ્ટવેર ડેવલપર્સ માટેના વિઝાની સંખ્યા અડધી રહી હતી. આ દર્શાવે છે કે બ્રિટનમાં લેબરની કેટલી અછત પ્રવર્તી રહી છે.