લંડનઃ યુકેમાંથી હવે અમીરોની સાથે સાથે તેજસ્વી પ્રતિભાઓ પણ પલાયન કરી રહી છે. છેલ્લા કેટલાંક વર્ષથી યુકેમાંથી યુવા અને ટેલેન્ટેડ લોકો વિદેશોમાં સામુહિક પલાયન કરી રહ્યાં છે. છેલ્લા આઠ મહિનાથી જાપાનમાં રહેતી રેય અમજદ કહે છે કે હું યુકેમાં ટેક્સ પેટે હજારો પાઉન્ડ ચૂકવું છું અને એક દિવસ સડક પર મારા હાથમાંથી કોઇ વ્યક્તિ ફોન ઝૂંટવીને નાસી જાય છે. શું આના માટે હું ટેક્સ ચૂકવું છું...
કેમ્બ્રિજ યુનિવર્સિટીના સ્નાતક અમજદ કહે છે કે યુકેમાં બ્રેઇન ડ્રેઇન થઇ રહ્યું છે. અન્ય દેશોની મુલાકાત બાદ મારી આંખો ખુલી ગઇ છે. યુકેમાં અપરાધો, ટ્રેનની હડતાળ, મોંઘાદાટ મકાનો, કથળી રહેલી જાહેર સેવાઓ અને ખરાબ હવામાન માઝા મૂકી રહ્યાં છે. આ યુકેની સરકારોની નિષ્ફળતા છે. મેં 20 કરતાં વધુ દેશની મુલાકાત લીધી છે અને મને લાગે છે કે યુકે વધુ સારો દેશ બની શકે છે. હું મારા પ્રવાસો દરમિયાન યુકે છોડીને અન્યત્ર સ્થાયી થયેલા ઘણા લોકોને અને યુકે છોડી જવા માગતા ઘણા યુવાઓને મળ્યો છું. મારે પણ તેમની સાથે જોડાઇ જવું જોઇએ.
ટિકટોકર અને યુ ટ્યુબર કેટ બાર્ર કહે છે કે શા માટે મારે યુકે છોડી ન જવું જોઇએ. યુકે મરી રહ્યો છે. 2025માં મેં લોકોને યુકે છોડી જવાની હાકલ કરી છે. યુકે હવે વસવાટ માટે તણાવગ્રસ્ત દેશ બની ગયો છે. મને લાગે છે કે આ તો માત્ર શરૂઆત છે. કેટ હાલ હોંગકોંગમાં રહે છે. તે કહે છે કે અપુરતું વેતન, ઊંચા કરવેરા યુકેમાં જિંદગી મુશ્કેલ બનાવી રહ્યાં છે. ખર્ચાળ ટ્યુશન ફી, સ્ટુડન્ટ લોનની ચૂકવણી, એનએચએસમાં વેઇટિંગ ટાઇમ, માનસિક આરોગ્યની સારવારનો અભાવ, પેન્શનની જોગવાઇનો અભાવ, કારકિર્દીની તકોની અછત, મકાનોની અછત યુકેને ઘેરી ચૂકી છે.